મોડી રાત્રે મુંબઇ પોલીસ કંટ્રોલરૂમમાં આવેલા બોમ્બ અંગેના ફોનથી તંત્ર એલર્ટ, સ્વતંત્ર પર્વ, રક્ષાબંધન, ગણેશચોથ અને મહોરર્મના તહેવારો નજીક હોય સમગ્ર રાજ્યમાં એલર્ટ
મુંબઈ પોલીસને મળેલા એક અજાણ્યા ફોન કોલથી રાજ્યમાં હડકંપ મચી ગયો છે. હકીકતમાં જોઈએ તો, શુક્રવારના રોજ મુંબઈ પોલીસને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં 3 મુખ્ય રેલ્વે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર બોમ્બ રાખ્યો હોવાની વાત કહેવામાં આવી હતી. આ ખબર મળતા જ રાજ્યના ત્રણેય મુખ્ય રેલ્વે સ્ટેશનો અને બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે, તપાસ દરમિયાન કોઈ એવી સંદિગ્ધ વસ્તુ હાથમાં આવી નથી. આ મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સીઆઈયુ ટીમે રાજૂ કાંગને અને રમેશ શિરસાઠની ધરપકડ કરી છે. હાલમાં આ લોકો સાથે પુછપરછ થઈ રહી છે.
મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે એક ફોન આવ્યો હતો, જેમાં કોલરે કહ્યું હતું કે બોમ્બ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (સીએસએમટી), ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનના જુહુમાં બંગલામાં મૂકવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું, “કોલ મળ્યા બાદ રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ સાથે આ સ્થળોએ પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પરંતુ આજ સુધી આ સ્થળોએ કશું શંકાસ્પદ મળ્યું નથી, હાલમાં ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તે જ સમયે, માહિતીની ગંભીરતા જોતા, પોલીસે તરત જ જે નંબર પરથી કોલ કર્યો હતો તેનો સંપર્ક કર્યો. પરંતુ જે વ્યક્તિએ બીજી વખત ફોન કર્યો તેણે કહ્યું કે હવે મને પરેશાન ન કરો અને ફોન કાપી નાખ્યો. ત્યારથી તે વ્યક્તિનો સંપર્ક થઈ શક્યો નથી. આરોપીએ ફોન બંધ કરી દીધો હતો.
ચારેય સ્થળોએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ થયું
અજાણ્યા ફોન વિશે માહિતી મળતાં પોલીસે તરત જ ચારેય સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સંબંધિત સ્થળોએ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક કલાકોથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને અત્યાર સુધી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.