બોલિવુડના એક્ટર ઇરફાન ખાનને બ્રેઇન કેન્સર થયું હોવાના અહેવાલો આવ્યા છે. ઇરફાનને હાલમાં મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રફાનને ગ્લિઓબ્લાસ્ટોમા મલ્ટીફોર્મ (જીબીએમ) ગ્રેડ-4 કેન્સર થયું હોવાનું નિદાન થયું છે, જેને ‘ડેથ ઓન ડાયગ્નોસિસ’ માનવામાં આવે છે. નિડલ બાયોપ્સી પછી ડૉક્ટરોને ટ્યૂમરની સ્થિતિ વિશે ખબર પડશે, જે પછી કીમો થેરપી કરાવવામાં આવી શકે છે.
ઇરફાન ખાનની બીમારી અંગે મીડિયામાં મંગળવારે બીમારીનો ઉલ્લેખ કર્યા વિના સત્તાવાર નિવેદન આપ્યું છે. તેણે લખ્યું છે કે ‘કોઈક વખત તમે જાગો ત્યારે કેટલીક વખત જીવન તમને અચાનક આંચકો આપે છે. છેલ્લા 15 દિવસમાં મારું જીવન એક સસ્પેન્સ સ્ટોરી બની ગયું છે. મને ક્યારેય કલ્પના નહોતી કે દુર્લભ વાર્તાઓની શોધ દરમિયાન મને દુર્લભ બીમારીનો ભેટો થઈ જશે. હું ક્યારેય હાર નથી માનતો અને હું મારી પસંદગીઓ માટે હંમેશા લડતો આવ્યો છું અને હું લડીશ. મારું ફેમિલી અને ફ્રેન્ડ્સ મારી સાથે જ છે. તમામ ટેસ્ટ થઇ ગયા પછી હું તમને જણાવીશ, ત્યાં સુધી મારા માટે પ્રાર્થના કરો.’