ગઢકાના પરિવારને હડફેટે લીધા બાદ બોલેરો ઝાડ સાથે અથડાઈ; કારમાંથી દાની બે બોટલ પણ પોલીસની તપાસમાં મળી આવી; પુત્રીના મોતથી પરિવારમાં અરેરાટી
ભાવનગર રોડ પર આર.કે.યુનિવર્સિટીના ગેટ પાસે બસ સ્ટોપ નજીક પુરપાટ ઝડપે ધસી આવેલી બોલેરો કારના પિકપ વાન ચાલકે ગઢકા ગામના પરિવારને હડફેટે લઈ ૧૩ વર્ષની તરુણીનું ઘટના સ્થળે જ મોત નિપજવ્યું હતુ. જ્યારે તેના માતા પિતાને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે બોલેરો કાર અકસ્માત સર્જી વૃક્ષ સાથે અથડાઈ ઉભી રહી જતા ચાલક સહિત ત્રણને ઇજા પહોંચી હતી. અકસ્માત સમયે બોલેરો કારમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઢકા ગામે રહેતા કારખાનામાં મજૂરી કામ કરતા પ્રવીણ છગન બથવાર ( ઉ.વ ૩૮ ) એ પત્ની રંજનબેન, પુત્રી કીર્તિ, પુત્ર વાસુ સાથે ખરીદી કરવા જવા માટે ગઢકા ગામના પાટીએ બસની રાહ જોઈને ઉભા હતાં.ત્યારે પુરપાટ ઝડપે આવતી બોલેરો ચાલકે પરિવારને હડફેટે લઈ કીર્તિ ઉર્ફ કોમલ પ્રવીણ બથવાર (ઉ.વ ૧૩) નું ઘટના સ્થળે મોત નિપજવ્યું હતું. જ્યારે તેના પિતા પ્રવીણ છગન બથવાર ( ઉ.વ ૩૮ ), માતા રંજનબેન, પુત્ર વાસુ તથા બોલેરો ચાલક રામસિંહ સીસોદીયા ( ઉ.વ ૨૭), દિપક મોતીલાલ ( ઉ.વ ૪૦) , સાદિક મહમદ ( ઉ.વ ૩૦) ને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે આજીડેમ પોલોસ સ્ટેશનના પી.એસ. આઈ જી.એન. વાઘેલાને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી બોલેરો ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. અકસ્માત સર્જી બેકાબુ બનેલી બોલેરો કાર પરિવારને હડફેટે લીધા બાદ વૃક્ષ સાથે અથડાતા ચાલક સાદિક અને દીપકને ઇજા થવા પામી હતી. આજીડેમ પોલીસની તપાસ દરમિયાન બોલેરો કારમાંથી બે દારૂની બોટલો મળી આવી હતી. હાલ પોલીસે બોલેરો ચાલક સામે અકસ્માત અને દારૂ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.