શા માટે મનાવાય છે આ તહેવાર
શાસ્ત્રોમાં ગાયનું વિશેશ મહત્ત્વ રહેલુ છે. ગાયને માતનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણે ત્યાં ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, એકવાર શ્રી કૃષ્ણ સિંહના રૂપમાં બહુલા ગાયની સામે દેખાયા, તે પોતાનો જીવ બલિદાન આપવા તૈયાર હતા, ગાયે સિંહને કહ્યું કે તે તેના બાળકને ખવડાવીને આવે. ગાયનો વાછરડા પ્રત્યેનો લગાવ જોઈને સિંહે તેને જવા દીધી, ગાયે પોતાનું કામ કર્યું અને સિંહની સામે આવી.
ગાય વાછરડાની પૂજા કરવાનો દિવસ બોળચોથ. શ્રાવણ માસના વદમાં બોળચોથથી શ્રાવણ મહિનાના તહેવારોની શરૂઆત થતી હોય છે. આવતીકાલે બોળચોથ છે. આ દિવસે ગાયમાતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે, અને વ્રત કરીને બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે. ગાય બારેય મહિના દૂધ આપે છે, તેનું ઋણ ચૂકવવાનો દિવસ એ બોળચોથ છે. ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયના શરીરમાં ૩૩ કોટિ (પ્રકાર) ના દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. જેથી ગાય પૂજનીય તો છે જ, પણ બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે.
સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉની કોઈ વસ્તુ ખાતી નથી, કે ઘઉની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉ દળતી પણ નથી. તેમજ છરી-ચપ્પુથી છોલતી નથી, શાકભાજી પણ સુઘારાતી નથી, ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.
શું છે બોળચોથ પાછળની પરંપરા અને તેની કથા
બોળચોથ વિશે એક પ્રાચીન વાર્તા છે. એક વહુ નવી ઘરે આવી. તેના સાસુએ તેને ઘઉંલો ખાંડવાનો કીધો. ઘઉંલો એટલે ઘઉંનો અર્થ હતો, પણ વહુ ઘઉંને બદલે તેના ઘરમાં વાછરડો હતો તેનું નામ ઘઉંલો હતો તે સમજી. વહુએ તો વાછરડાને કાપીને ખાંડી નાખ્યો. સાસુએ જોયું તો લોહીથી ખાંડણીયો ખદબદતો હતો. સાંજનો સમય થવા આવતો હતો, સાસુ વહુએ ગાય આવે તે પહેલા વાછરડાને ઉકરડામાં નાખી આવ્યા. ગાય આવી તો તેણે વાછરડો ન જોયો. તે ભાંભરડા નાખવા લાગી. ગાય તો પહોંચી ઉકરડે. ત્યાં તેણે ભાંભરડા નાખ્યા તો વાછરડો ઉભો થયો. ગાય સાથે વાછરડાને પણ પાછા આવતા જોઈ સાસુ-વહુએ બન્નેનું પૂજન કર્યું. ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી છે. ત્યારેથી વાછરડા સાથે ગાયનું પૂજન થતું આવે છે.
શું છે બોળચોથનું રહસ્ય
બોળચોથ આમ તો સ્ત્રીઓ રહેતી હોય છે. પરંતુ તેની પાછળ એક પ્રકારનું વિજ્ઞાન રહેલું છે. પહેલાના વખતમાં ગાયનું જ દૂધ ખાવમાં આવતું હતું તો એક દિવસ ગાયનું દૂધ ન ખાવામાં આવે તો ગાયના દૂધનો લાભ વાછરડાને મળી શકે છે. આપણા ઋષીએ આર્ષદ્રષ્ટા હતા. તેમણે વૃક્ષો અને પ્રાણીઓના વ્રતો દાખલ કરીને આપણને કુદરત સાથે સાંકળેલા રાખ્યા છે. બોળચોથ પણ ગાયનું સંરક્ષણ અને વર્ધનનું પ્રતિક છે. આ દિવસે ઘઉં નથી ખાવામાં આવતા તેનું કારણ પણ એ છે કે ઘઉં વાયુ કારક પણ હોય છે અને તેમાં ફેટની માત્રા પણ વધારે હોય છે. અનાજથી એક દિવસ ઉપસાવ કરવામાં આવે તો શ્રાવણના વરસાદી વાતાવરણમાં પેટની તબીયત સારી રહે છે. ગૌહત્યા નિષેધનો સંદેશ આપતા આ તહેવારને આપણે સૌએ માન આપી રખડતી ભટકતી ગાયને આસરો ન આપી શકીએ તો કંઈ નહીં પણ આજના દિવસથી સંકલ્પ કરીએ કે તે તમારા બાર પર આવીને ઉભી રહે તો તેને યથાશક્તિ ખાવાનું તથા પાણી આપવું જોઈએ. તેનાથી ગાયમાં વસતા દેવો તમારા પર કૃપા કરે છે. પ્રાચીન પરંપરાથી ઉજવાતા આપણા તહેવારને આધુનિક જમાનામાં ઓછામાં ઓછું આ રીતે તો ઉજવીએ અને ઘરમાં ખુશાલી લાવીએ.
બોળચોથના દિવસે ગૌ પૂજન કરવા માટેનો મંત્ર શું છે
બોળચોથના દિવસે બહેનો માતાઓ ગાયનું પૂજન કરવા જતી હોય છે ત્યારે તેમના દ્વારા થતી પૂજા દરમ્યાન બોલવામાં આવતો મંત્ર આ છે.. माता रुद्राणां दुहिता वसूनां स्वसादित्यानाममृतस्य नाभि:। प्र नु वोचं चिकितुषे जनाय मा गामनागामदितिं वधिष्ट नमो नम: स्वाहा।। આ પ્રકારે પૂજન કરી ગાયના ઘાસ આપો તથા નીચેના મંત્રથી તેના ચરણમાં અર્ધ્ય આપો. क्षीरोदार्णवसम्भूते सुरासुरनमस्कृते। सर्वदेवमये मातर्गृहाणाघ्र्यं नमोस्तु ते।। આ પછી નીચે લખેલ મંત્રથી ભક્તિપૂર્વક ગોમાતાને પ્રણામ કરવો જોઈએ. सर्वदेवमये देवि सर्वदेवैरलंकृते। मातर्ममाभिलषितं सफलं कुरु नन्दिनि।। આ વ્રતના પ્રભાવથી વ્રતી બધા સુખોને ભોગવતા અંતમાં ગાયને જેટલા રૂંવાડા છે એટલા વર્ષો સુધી ગૌલોકમાં વાસ કરે છે. એવું ધર્મશાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે.
ધર્મનિષ્ઠા અને પ્રતિબદ્ધતા જોઈને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા
બહુલાની ધર્મનિષ્ઠા અને પ્રતિબદ્ધતા જોઈને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા, અને તેમણે બહુલાને આશીર્વાદ આપ્યા કે, કળિયુગમાં જે કોઈ તમારી પૂજા કરશે, તેના બાળકો હંમેશા સુખી અને સુરક્ષિત રહેશે. બોળચોથ સાથે એક બ્રાહ્મણ પરિવારની કથા જોડાયેલી છે જે ઘંઉલા નામના ગાય અને તેના વાછરડા સાથે જોડાયેલી છે. ત્યારથી આ વ્રત રાખવામાં આવે છે. એક જ રંગની ગાય અને તેના વાછરડાની પૂજા થાય છે. આ દિવસે વઘાર કરવામાં આવતો નથી મહિલાઓ સાંજે ગાયની પૂજા કર્યા પછી એકટાણુ ખાય છે. આ દિવસે ઠંડુ જમવાની પરંપરા છે.