સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયમાં આજે ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. હજી બે દિવસ કોલ્ડવેવનો પ્રકોપ યથાવત રહેવા પામ્યું છે. કચ્છનું નલીયા આજે પણ મહત્તમ 2.4 ડિગ્રી તાપમાન સાથે કાતીલ ઠંડીમાં થર થર ધુજયું હતું. રાજયના આઠ શહેરોના તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. રાજકોટમાં આજે લધુતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ઉંચકાયો હતો. પરંતુ બર્ફિલા પવન ફુંકાવાના કારણે લોકો ઠુંઠવાયા હતા. હજી આવતીકાલે પણ કોલ્ડવેવ યથાવત રહેશે. કાતિલ ઠંડીથી લોકોને બચાવવા માટે રાજય સરકાર અને હવામાન વિભાગ દ્વારા ગાઇડ લાઇન પણ જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના પહાડી રાજયોમાં સતત બરફ વર્ષાના કારણે ગુજરાત સહિત દેશના ચાર રાજયોમાં કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કચ્છનું નલીયા આજે પણ 2.4 ડિગ્રી સેલ્સીયશ સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું હતું. સતત ત્રણ દિવસથી હાડ થીજાવતી ઠંડીમાં ધ્રુજી રહ્યું છે. આજે જુનાગઢ શહેરનું લધુતમ તાપમાન 7.2 ડિગ્રી સેલ્સીયશ નોંધાયું હતું. ગીરનાર પર્વત પર પારો 2.2 ડિગ્રીએ પહોંચી જતાં ગીરનાર જાણે એવરેસ્ટ બની ગયું હોય તેવો અહેસાસ સહેલાણીઓએ કર્યો હતો. જુનાગઢમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા અને પવનની સરેરાશ ઝડપ 5.4 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
ગીરનાર પર્વત પર તાપમાન 2.2 ડિગ્રી, ડિસા 7.8 ડિગ્રી, પોરબંદર 8.6 ડિગ્રી, ભુજ 8.7 ડિગ્રી અને રાજકોટ 9.4 ડિગ્રી સાથે ટાઢાબોળ: બર્ફિલા પવન ફુંકાવાના કારણે થર થર ધ્રુજતુ જનજીવન
આ ઉપરાંત અમદાવાદનું લધુતમ તાપમાન 9.7 ડિગ્રી, બરોડાનું તાપમાન 11.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 11.4 ડિગ્રી, ભુજનું તાપમાન 8.7 ટકા, ડિસાનું તાપમાન 7.8 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 12.8 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 8.8 ડિગ્રી, કંડલાનું તાપમાન 10.9 ડિગ્રી, નલીયાનું તાપમાન 2.4 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 8.6 ડિગ્રી, સિલવાસનું તાપમાન 12 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટમાં આજે લધુતમ તાપમાનમાં ર ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. ગઇકાલે રાજકોટમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. શહેરમાં લધુતમ તાપમાન 7.3 ડિગ્રી, આજે મીનીમમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા અને પવનની સરેરાશ ઝડપ 6 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે 8.30 કલાકે તાપમાન 1ર ડિગ્રી નોંધાયું છે. લધુતમ તાપમાનનો પારો બે ઉચકાયો હતો છતાં બર્ફિલા પવન ફુંકાવાના કારણે લોકો દિવસભર કાતીલ ઠંડીમાં ઠુંઠવાયા હતા.
સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર ઝાલાવાડમાં ઠંડી ભુક્કા બોલાવી રહી છે. છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જઇ રહ્યું છે. હજી બે દિવસ રાજયમાં કોલ્ડવેવ યથાવત રહેશે ગુરુવારથી ઠંડીનું જોર ઘટશે. જાન્યુઆરી માસમાં ઠંડી યથાવત રહેશે ફેબ્રુઆરીથી ક્રમશ: ઠંડીનું જોર ઘટી જશે કાતીલ ઠંડીના કારણે રાત્રીના સમયે રાજમાર્ગો સુમસામ થઇ જાય છે સ્વયંભુ સંચાર બંધી જેવું વાતાવર જોવા મળે છે. શાળાઓ સમય મોડો કરવાની પર છુટ ડીઇઓને આપી દેવામાં આવી છે.
બે થી ત્રણ દિવસમાં ઠંડીનું જોર ઘટશે
18 અને 20 જાન્યુઆરીએ ઉત્તરપશ્ચિમ ભારતને ઝડપી ઉત્તરાર્ધમાં બે પશ્ચિમ વિક્ષેપ અસર કરે તેવી શક્યતા છે, પરિણામે ઉત્તરપશ્ચિમ ભારતમાં 19 જાન્યુઆરીથી શીત લહેરોની સ્થિતિ ઓછી થવાની સંભાવના છે.ઉત્તરપશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં 17મી જાન્યુઆરીની સવાર સુધી લઘુત્તમ તાપમાન લગભગ 2 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઘટવાની સંભાવના છે.18 સુધી રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના ઘણા/કેટલાક ભાગોમાં અને ત્યારપછી 19ના રોજ પૂર્વ રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવથી ગંભીર શીત લહેર સ્થિતિની સંભાવના છે; 17-19 દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં અલગ-અલગ ખિસ્સાઓમાં શીત લહેરની સ્થિતિ પણ ખૂબ જ સંભવ છે.
કચ્છ, પોરબંદર અને રાજકોટમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના પહાડી રાજયોમાં સતત બરફ વર્ષાના કારણે ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજયોમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન કચ્છ, પોરબંદર અને રાજકોટમાં સિવીયર કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં રહેશે. ત્યારબાદ ઠંડીનું જોર થોડું ઘટશે. આજે ઠંડીનું જોર થોડું ઘટયું હતું. જો કે અનેક શહેરોના તાપમાન આજે પણ સિંગલ ડિઝીટમાં રહેવા પામ્યું હતું. કોલ્ડવેવથી બચવા માટે હવામાન વિભાગ અને રાજય સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર કરવામાં આવે છે હજી બે દિવસ ઠંડીમાં ઠુંઠવાતુ: રહેવું પડશે.