બોઇલર બ્લાસ્ટનો ધડાકો બે કિમિ સુધી સંભળાયો: માતા-પુત્રી અને બે શ્રમિકોના મોત: પોલીસ કમિશનર અને મેયરે આપ્યા તપાસના આદેશ
વડોદરામાં દવા બનાવતી કંપની કેન્ટોન લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડમાં બોઇલર ફાટતા માતા-પુત્રી સહિત ચાર લોકો ભૂંજાઈ જતા ચકચાર મચી ગઇ છે. આ બ્લાસ્ટનો ધડાકો એટલો મોટો હતો કે તેનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્ર તુરંત દોડી ગયું હતું અને આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વડોદરામાં વડસર બ્રીજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા ચાર લોકો ભૂંજાયા હતા. ઓવરહીટિંગના કારણે બોઇલરમાં પ્રચંડ ધડાકો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનામાં ઓરડીમાં રહેલી માતા-પુત્રી સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. જ્યારે આસપાસ કામ કરી રહેલા ૧૦થી વધુ લોકો ઘવાયા હતા. પ્રચંડ ધડાકાનો અવાજ છેક બે કિલોમીટર સુધી સંભળાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઇ હતી અને બ્રીજ પરથી પસાર થતા વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ જી.આઈ.ડી.સી. ફાયર વિભાગનો સ્ટાફ તાબડતોડ દોડી ગયો હતો અને કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી. તે દરમિયાન ફાયર વિભાગના સ્ટાફે કાટમાળ હેઠળ દટાયેલા ૨૧ વર્ષના યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો જ્યારે બાજુની ઓરડીમાં રસોઈ કરતી વેળાએ જ ધડાકો થતા ઓરડીમાં રહેલા માતા-પુત્રી પણ ભુંજાયા હતા.
તો બીજી તરફ બ્લાસ્ટની જાણ થતાં પોલીસ કમિશનર અને કંપનીના ડાયરેકટર પણ દોડી આવ્યા હતા. ઘટનામાં ઘાયલ શ્રમિકોને સારવાર માટે પ્રાઇવેટ વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ કમિશનર અને મેયર દ્વારા ઘટના અંગે તપાસના આદેશ આપ્યા હતા. બ્લાસ્ટનો ધડાકો સાંભળનાર રહેવાસીઓ પણ ગભરાઈ ગયા હતા અને ઇજાગ્રસ્તો પણ જયકરે હોસ્પિટલમાં ભાનમાં આવ્યા ત્યારે ઘટના અંગે વાકેફ થયાનું જાણવા મળ્યું છે.