સંત કબીર રોડ પર પ્લાસ્ટીકની ચીજ વસ્તુના વેપારીને બેનંબરી ધંધા કરતા હોવાનું કહી રૂ.૩ લાખની માગણી કરી
ફૂટી નીકળેલા બોગસ પત્રકારો તંત્ર માટે બન્યા માથાનો દુ:ખાવો
બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા કહેવાતા પત્રકારો તંત્ર માટે માથાનો દુ:ખાવો બની ગયા છે. ત્યારે પત્રકાર ન હોવા છતાં પોતાને પત્રકાર કહી સંત કબીર રોડ પરના પ્લાસ્ટીકના વેપારીને બેનંબરી ધંધા કરતા હોવાનું કહી સેટલમેન્ટ કરવાના બહાને રૂા.૩ લાખનો તોડ કરવાનો પ્રયાસ કરતા ભગવતીપરાના મુસ્લિમ દંપત્તીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.
કોઇ પણ અખબાર સાથે જોડાયેલા ન હોવા છતા કે કોઇ પણ ચેનલના પત્રકાર ન હોવા છતાં કેટલાક લેભાગુઓ ન સાંભળ્યા હોય તેવી ચેનલના બુમ લઇને પ્રેસના ઓળખળ કાર્ડ બોગસ બનાવી તંત્ર પાસે વિગતો મેળવવા નીકળી પડયા હોવાથી તંત્રને વિના કારણે પરેશાનીમાં મુકયા છે. આવા કહેવાતા પત્રકારો કેટલાક સ્થળે નાની મોટી રકમ ખંખેરી લેવામાં ફાવી જતા હોવાથી તંત્રની જેમ વેપારીઓને પણ રંજાડવાનું શરૂ કર્યુ હોય તેમ જણાય રહ્યું છે. પત્રકારના નામે રિપોટીંગમાં નીકળતા લેભાગુઓ સામે કડક કાર્યવાહી કરી તેની શાન ઠેકાણે લાવવાનો સમય પાકી ગયો હોવાનું જણાય રહ્યું છે.સંત કબીર રોડ આવેલી શિવ પેલેસ-૨ની સામે આવકાર ફલાવર નામની દુકાન ધરાવતા જયંતીભાઇ ભુરાભાઇ ધરજીયા નામના ૬૫ વર્ષના વૃધ્ધની દુકાને પત્રકારના સ્વાંગમાં આવેલી મહિલાએ બેનંબરી ધંધા કરતા હોવાનું અને ગોડાઉનમાં બે ટ્રક માલ હોવાનું જણાવી કોર્પોરેશનના અધિકારી સુધી વાત ન પહોચાડી સેટલ મેન્ટ કરવાના બહાને વૃધ્ધને ગોડાઉન ખાતે લઇ જઇ રૂા.૩ લાખની માગણી કર્યા અંગેની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જયંતીભાઇ ધરજીયાના નાના પુત્ર આશિષભાઇ ગઇકાલે બપોરે પોતાની દુકાને એકલા હતા ત્યારે એક સગર્ભા મહિલા આવી પોતે મોરબીથી આવતી હોવાનું અને ચેનલમાં રિપોર્ટ હોવા અંગેની પોતાની ઓળખ આપી તેણીએ પ્રેસનું આઇકાર્ડ બતાવ્યું હતું. મહિલાએ ગોડાઉનમાં લાખનોની કિંમતનો બેનંબરી માલ હોવાની મહિતી હોવાનું તેમજ તેની બીજી ટીમ ગોડાઉન ખાતે પહોચી ગયાનું જણાવ્યુ હતું. આશિષભાઇ ધરજીયાએ પોતાનું ગોડાઉન કયાં આવ્યું તે અંગે આવેલી મહિલાને પૂછતા તેણીએ આ રોડ પર છે તેમ કહી ખોટુ સરનામું જણાવતા મહિલા શંકાસ્પદ જણાતા તેની સાથે જયંતીભાઇ ધરજીયા નવાગામ ખાતે આવેલા પોતાના ગોડાઉન ખાતે જવા તૈયાર થયા હતા. મહિલા પણ રિક્ષા લઇને જયંતીભાઇ ધરજીયાની સાથે ગોડાઉન જઇ રહી હતી ત્યારે તેણીએ કોર્પોરેશનનો સ્ટાફ આવે તે પહેલાં પોતે સેટલ કરી આપશે તેમ કહી રૂા.૩ લાખની માગણી કરતી હતી. ત્યારે જયંતીભાઇ ધરજીયાએ પોતાની દુકાન અને ગોડાઉનમાં કુલ માલ રૂા.૩ લાખનો ન હોવાનું કહી પોલીસને ફોન કરવાનું જણાવ્યું તે દરમિયાન ગોડાઉન ખાતે અન્ય એક અજાણ્યો શખ્સ આવી ગયો હતો અને તેને પણ પત્રકાર તરીકેની ઓળખાણ આપી તમે જ પોલીસને બોલાવો તો અમારે પોલીસને ન બોલાવવા પોલીસ આવશે એટલે તમે ધંધે લાગશો તે રીતે અજાણ્યો શખ્સ અને મહિલા પત્રકારના સ્વાંગમાં જયંતીભાઇ ધરજીયાને ધમકાવતા હોવાથી તેઓએ પોતાના વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીને ફોન કરી પત્રકારો પોતાની પાસે રૂા.૩ લાખ માગતા હોવાની જાણ કરી હતી.
ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ રૂા.૩ લાખ આપવાની હા કહી ગોડાઉનેથી દુકાને આવી જવાનું સમજાવ્યા બાદ તેઓએ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પી.એસ.આઇ. એચ.બી.વડાવીયા સંત કબીર રોડ પર આવી ગયા હતા. કહેવાતા પત્રકાર દંપત્તી પોલીસને જોઇ હોસકોશ ઉડી ગયા હતા. પોલીસે બંનેની જરૂરી પૂછપરછ કરતા તેઓ પત્રકારનું બોગસ કાર્ડ તૈયાર કરી તોડ કરતા હોવાનું તેમજ તે મોરબીના નહી પરંતુ ભગવતીપરાની રિઝવાન ઇમ્તિયાઝ રાઉમા અને તેનો પતિ ઇમ્તિયાઝ લાલમંહમદ રાઉમા હોવાનું બહાર આવતા બંને સામે બ્લેક મેઇલીંગ કરી ભય બતાવી રૂા.૩ લાખ પડાવવાનો પ્રયાસ કર્યા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે. રિઝવાન અને તેના પતિ ઇમ્તિયાઝ વધુ સ્થળે આ રીતે તોડ કર્યાની શંકા સાથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
બોગસ પત્રકાર દંપત્તીને પકડવામાં ધારાસભ્યે કરી મદદ
સંત કબીર રોડ પરના પ્લાસ્ટીકના વેપારીને ભય બતાવી તોડ કરવા આવેલા બોગસ પત્રકાર દંપત્તી હેરાન કરતા હોવાની જંયતીભાઇ ધરજીયાએ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી સાથે મોબાઇલમાં વાત કરી જાણ કરતા બોગસ પત્રકારને નવાગામ ગોડાઉનથી તેમની દુકાને બોલાવી રૂા.૩ લાખ આપવાની તૈયારી બતાવવા સમજ આપી સંત કબીર રોડ પરની આવકાર ફલાવર નામની દુકાને બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એચ.બી.વડાવીયાને મોકલી બોગસ પત્રકાર દંપત્તીને સપડાવવામાં મદદ કરી છે. પોલીસે પત્રકારના સ્વાંગમાં રહેલા દંપત્તીની સ્થળ પર જ આકરી પૂછપરછ કરી છે.