- બે વર્ષ સાથે રાખી અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ: પીડિતાએ ‘અબતક’ સમક્ષ આપવીતી જણાવી
અગાઉ બોગસ તબીબ તરીકે પોલીસ ચોપડે ચડી ચૂકેલા શ્યામ રાજાણીની વધુ એક કાળી કરતૂત સામે આવી છે. જેમાં શ્યામ રાજાણીએ એક મહિલા સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ અવાર નવાર શરીર સંબંધ બાંધીને તરછોડી દીધાનું સામે આવ્યું છે. મહિલાએ મામલામાં મહિલા પોલીસ મથક ખાતે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ ’અબતક’ મીડિયા હાઉસ ખાતે આવી પોતાની વ્યથા ઠાલવતા ન્યાયની માંગણી કરી છે.
’અબતક’ મીડિયાની મુલાકાતે આવેલી પીડિતાએ જણાવ્યું હતું કે, આજથી ચાર વર્ષ પૂર્વે શ્યામ રાજાણીએ તેણી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેનો પુરાવો પણ મહિલા પાસે હાજર છે અને રજીસ્ટર્ડ મેરેજ હોવાથી મહિલા પાસે મેરેજ સર્ટિફિકેટ પણ હાજર છે. જે મુજબ શ્યામ રાજાણીએ પીડિતા સાથે 20 જાન્યુઆરી 2020ના રોજ રાજકોટની અદાલતમાં જ લગ્ન કર્યા હતા. તે બાદ શ્યામ રાજાણીએ બંને પરિવારોને એક કરવા માટે ધામધૂમથી લગ્ન કરીશું તેવો વાયદો આપ્યો હતો પરંતુ પીડિતાને ક્યારેય ઘરે લઇ ગયો ન હતો.
શ્યામ રાજાણી પીડિતાને તેની કુવાડવા રોડ પર આવેલી ટીજીબી (ધ ગ્રાન્ડ ભગવતી) નામની હોટેલમાં જ રાખતો હતો. આશરે બે વર્ષ સુધી મહિલાને સાથે રાખીને અનેકવાર ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા બાદ ફેબ્રુઆરી 2022માં રાજાણીએ પીડિતાને તરછોડી દીધી હતી.
દરમિયાન શ્યામે અનેકવાર પીડિતા સાથે ઝગડો કરીને મારકૂટ પણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન કરીને તરછોડી દેતા પીડિતાએ ભરણપોષણની માંગણી કરતા શ્યામે સમાધાન કરવાના બહાને એક માસ પૂર્વે પીડિતાને માધાપર ચોકડી ખાતેના એક ફ્લેટમાં બોલાવી ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું.
હવે સમગ્ર મામલે પીડિતાએ પોલીસનો સંપર્ક કરતા દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. દરમિયાન રાજાણીએ પોલીસ વિરુદ્ધ માર માર્યાના આક્ષેપ કર્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
શ્યામ રાજાણીએ વર્ષ 2019માં હોટેલ શરૂ કરી ભાગીદારને માર્યો રૂ.45 લાખનો ધુંબો!!
શ્યામ રાજાણીએ વર્ષ 2019ના સપ્ટેમ્બર માસમાં કુવાડવા રોડ પર ધ ગ્રાન્ડ ભગવતી (ટીજીબી) નામની હોટેલ ભાગીદારીમાં શરૂ કરી હતી. જે હોટેલમાં શહેરના ઉપલાકાંઠા વિસ્તારના આર્યનગરમાં રહેતા ખોડુભાઇ સામંતભાઈ મુંધવા નામના વ્યક્તિ સાથે ભાગીદારી કરી હતી. હોટેલ ચાલુ કરવા પેટે કટકે કટકે આશરે રૂ. 45 લાખ ખોડુભાઇ મુંધવા પાસેથી લીધા હતા. જે બાદ શ્યામ રાજાણીએ ભાગીદાર ખોડુભાઇ મુંધવાને ’તારૂ આ હોટેલમાં કંઈ નથી અને અહીંયા પગ મુકતો નહિ’ તેવું કહી દીધું હતું. જે મામલે ખોડુભાઇ મુંધવા નામની વ્યક્તિએ પણ સમગ્ર મામલો સામે આવતા પોલીસ કમિશ્નર સમક્ષ નાણાકીય વ્યવહારોના પુરાવા સાથે અરજી કરી ન્યાયની માંગણી કરી છે.
પીડિતાના પિતા પાસેથી 12 લાખ રૂપિયા લીધા બાદ પરત જ ન આપ્યા!!!
પીડિતાએ ’અબતક’ મીડિયા સમક્ષ વર્ણવેલી આપવીતીમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી સાથે લગ્ન થયાં બાદ શ્યામ રાજાણીએ મારાં પિતા પાસેથી મકાન લેવા માટે રૂ. 12 લાખ લીધા હતા અને જેની સામે રૂ. 11 લાખનું લખાણ પણ કરી આપ્યું હતું. જે પૈસા આજદિન સુધી રાજાણીએ પરત આપ્યા નથી. ઉપરાંત એક ફોર વ્હીલ અને એક ટુ વ્હીલરનું ડાઉન પેમેન્ટ પણ પીડિતાના પિતા પાસે અપાવીને શ્યામ રાજાણીએ પીડિતાના પરિવારજનો સાથે આર્થિક છેતરપિંડી આચરી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.