મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર નિમણૂંક પામેલા ઉમેદવારોની ડિગ્રી બોગસ હોવાનું પુરવાર થતાં અંતે જિલ્લા વિકાસ અધિકારીઓએ તમામને પાણીચૂ પકડાવ્યું: છૂટા કરાયેલા તમામ કર્મચારીઓ હાઈકોર્ટના શરણે જાય તેવી શકયતા
અગાઉ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઈ વિઝુંડાએ પણ બોગસ ડિગ્રીકાંડનો મુદ્દો સામાન્ય સભામાં ઉઠાવ્યો’તો: સામાન્ય સભામાં ગાજેલા આ મુદ્દા બાદ અંતે તંત્રની કાર્યવાહી
અગાઉ જિલ્લા પંચાયતમાં પ્રકાશીત થયેલા બોગસ ડિગ્રી કાંડમાં આજે ૨૨ જેટલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોને છુટા કરવાનો જિલ્લા વિકાસ અધિકારીઓએ આદેશ આપ્યો છે. આ તમામ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોએ બોગસ ડિગ્રીના આધારે પોસ્ટીંગ મેળવ્યું હોવાનું ખુલતા અંતે ડીડીઓએ તમામને પાણીચૂ પકડાવી દીધું છે. ત્યારે છૂટા કરાયેલા આ તમામ કર્મચારીઓ હાઈકોર્ટના શરણે જાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે.
જિલ્લા પંચાયતમાં દોઢથી બે માસ પૂર્વે બોગસ ડિગ્રી કાંડ ઝળક્યું હતું. જેમાં ૨૨ બોગસ ડિગ્રી ધારકોએ મલ્ટી હેલ્થ વર્કરની જગ્યામાં પોસ્ટીંગ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. આ તમામ કર્મચારીઓએ સેનેટરી ઈન્સ.નું બોગસ ડિગ્રી મેળવીને પોસ્ટીંગ મેળવ્યું હોવાનું ખુલતા જિલ્લા વિકાસ અધિકારીઓએ તમામને છૂટા કરી દીધા છે.
હાલ જિલ્લા પંચાયતમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા નરેશ ભિખુભાઈ મુંગાળા, મુકેશ નાજાભાઈ વાઘેલા, દિપક દલપતભાઈ રાઠોડ, રાજેશકુમાર બટુકલાલ ગોહેલ, ભવદિપગીરી નાગેન્દ્રગીરી ગૌસ્વામી, ગોરાભાઈ હરજીભાઈ જોગહવા, કરશનભાઈ જાગાભાઈ જોગહવા, અજય ભુદરભાઈ ચૌહાણ, નિકુલકુમાર ગણેશભાઈ રેવર, અશ્ર્વિનભાઈ જશવંતભાઈ મેર, અશોકકુમાર જયંતિભાઈ પંડયા, ભરતકુમાર મોહનભાઈ સોલંકી, લાલજીભાઈ બાબુલાલ ભરડા, વિવેકકુમાર જીતુદાન બારોટ, રમણીકલાલ રામજીભાઈ બારૈયા, રાહુલકુમાર અરવિંદભાઈ શર્મા, વિષ્ણુભાઈ ગૌરીશંકરભાઈ બારૈયા, અત્રીકુમાર ચક્રભુજભાઈ ધાંધલા, ભરત જશમંતભાઈ મકવાણા, રાજેશ ઠાકરશીભાઈ માધાણી, દિનેશકુમાર ધનજીભાઈ રાજપરાને છૂટા કરવાનો આદેશ અપાયો છે.
આ તમામ ખાલી થયેલી ૨૨ જગ્યાઓ પર ભરતી વખતે પેન્ડીંગ રહેલા ઉમેદવારોને તક આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમીતીના ચેરમેન બાલુભાઈ વિંઝુડાએ જિલ્લા પંચાયતની સામાન્યસભામાં બોગસ ડિગ્રીકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો જેને સફળતા મળી છે.