નવ સીપીયુ, મોબાઈલ ફોન સાથે ફેક કોલ સેન્ટર ચલાવતા ૬ની ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સાઈબર ક્રાઈમ સેલે શહેરમાં ચાલતા ફેક કોલ સેન્ટરનો પર્દાફાશ કરી ૬ વ્યકિતની ધરપકડ કરી છે. આ કોલ સેન્ટર દ્વારા ગ્રાહકોને તમે પૈસા જીત્યા છો કે લકી ડ્રોમાં તમે સોનું જીત્યા છો કહી લોભાવવામાં આવતા અને પૈસા ખંખેરી લેવામાં આવતા હતા.
આવી જ એક લોભામણી સ્કીમનો ભોગ બનનાર આનંદનગરના રાજ એપાર્ટમેન્ટમાં રહેતા ૨૭ વર્ષીય મિતેશ પંચાલે સાઈબર ક્રાઈમ બ્રાંચમાં એક ફરિયાદ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર-નવેમ્બર ૨૦૧૭માં રોહિત નામના એક વ્યકિતનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, તમે લકી વિનર બન્યા છો અને તેમને ૨૫૦ ગ્રામ સોનું ભેટ આપવામાં આવશે.
કોલરે ૨૫૦ ગ્રામ સોનુ મેળવવા માટે કેટલીક પ્રક્રિયામાંથી પસાર થવાનું જણાવ્યું અને પ્રથમ ૫૦૦ રૂ. અને ત્યારબાદ ૪૫૦૦ રૂ.નું પેમેન્ટ આપી જીતેલુ સોનુ મેળવી શકાશે તેવું કહ્યું ત્યારબાદ બે મહિલા કોલરોએ અલગ નંબરથી ફોન કર્યો અને જણાવ્યું કે ૪ લાખ ૮૦ હજાર રૂપિયા બ્રાંચના કે ટ્રસ્ટના નામનો ચેક આપી તમે તમારું સોનુ લઈ જાવ.
આમ મિતેશ પંચાલની સાથે છેતરપિંડી થતા અમદાવાદ સાઈબર ક્રાઈમ, કોલ સેન્ટરના મેનેજર ચી સહિત ફૈઝલ વિપિન શર્મા, પ્રિયંકા, સિમ્પી અને મણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મુળ દિલ્હી-ગાઝીયાબાદની આ ટોળકી પાસેથી નવ સીપીયુ, મોબાઈલ ફોન અને અન્ય માલ-સામાન સહિત ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.