વડી અદાલતમાં બોફોર્સ કેસ મામલે સીબીઆઈની દલીલ: ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ કે.એમ.જોશેફે મામલો હાથમાં લીધો
બોફોર્સ કેસમાં વડી અદાલતે સીબીઆઈની દલીલ સાંભળી આગળ વધવા નિર્ણય લીધો છે. સોદાના દશકાઓ બાદ બોફોર્સનું ભૂત ન્યાય પાલિકામાં ધૂણાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી સંરક્ષણ સોદાની વિગતો જાહેર થતી નથી. માટે બોફોર્સની જેમ રાફેલ લડાકુ વિમાનના સોદાની વિગતો પણ જાહેર કરવામાં નહીં આવે તેવી દલીલ થઈ છે. જો કે, બન્ને મામલે વડી અદાલતનું વલણ સ્પષ્ટ છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયાધીશ કે.એમ.જોશેફની ખંડપીઠ સમક્ષ બોફોર્સ તોપના કૌભાંડ અંગેની સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ મામલે ભાજપના નેતા અને વકીલ અજય અગ્રવાલ વર્ષોથી કેસ લડી રહ્યાં છે. અજય અગ્રવાલ વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સોનિયા ગાંધી સામે રાયબરેલી બેઠકથી ઉભા રહ્યાં હતા. એક રીતે આ સમગ્ર મામલો રાફેલની સામે બોફોર્સ તોપનો બની ગયો છે.
કોંગ્રેસ જેમ-જેમ રાફેલ વિમાનનો મુદ્દો ઉછાળે છે તેમ તેમ ભાજપ બોફોર્સ તોપનો મુદ્દો સળગાવે છે તેવુ નિષ્ણાંતોનું માનવું છે. દેશના સંરક્ષણનો મામલો હવે રાજકારણના દુષણનો ભોગ બન્યો છે. વર્ષોથી બોફોર્સ કાંડના મુદ્દે કોંગ્રેસ ઉપર અન્ય પક્ષો માછલા ધોતા આવ્યા છે. ત્યારે અત્યારે લડાકુ વિમાન રાફેલની ખરીદીમાં એનડીએ સરકારને ભિંસમાં લેવાનો પ્રયાસ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો કરી રહ્યાં છે.
રાફેલ સોદો હજારો કરોડોનો છે જયારે બોફોર્સ તોપનો સોદો પણ તે સમયે જંગી રકમનો કહેવાતો હતો. રાફેલ વિમાનના સોદામાં એનડીએ સરકાર કેટલીક વિગતો છુપાવવા ધમપછાડા કરી જંગી કૌભાંડ આચરી રહી હોવાની દલીલ થઈ છે. બોફોર્સ તોપના સોદામાં પૂર્વ વડાપ્રધાનની સાથે યુરોપ સ્થિત ઉદ્યોગપતિ હિન્દુજા બ્રધર્સ સામે પણ આક્ષેપ થયા હતા. અગાઉ યુપીએ સરકાર હોવાથી સીબીઆઈને પગલા લેવા દેવાયા ન હોવાની દલીલ પણ થઈ છે. માટે સીબીઆઈ હવે બોફોર્સ કેસની દલીલ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.