ભાવનગર રોડ પુરતો જ રેડ લાઇટ એરિયો સીમીત નથી શહેરના ખૂણે ખૂણે કૂટણખાના ધમધમતા થયા: મસાજ પાર્લરની આડમાં ચાલતા ગોરખ ધંધા બંધ થતા ઠેર ઠેર શરૂ થયા કૂટણખાના
વામ્બે આવાસ યોજના, રૈયા ચોકડી, યોગીનગર, લાખાજીરાજ ઉદ્યોગનગર અને બીગ બજાર પાછળ ચાલતા કૂટણખાના પર એક માસમાં પોલીસના દરોડા
બે વિદેશી સહિત ચાર રૂપલલના પાસે દેહના સોદા કરાવતા એક મહિલા સહિત સાતની ધરપકડ
આદિકાળમાં રામાયણ અને મહાભારત યુગમાં પણ રંગીન મિજાજીઓ મુજરા અને દાસી પ્રથા સાથે રંગરેલીયા મનાવતા હોવાનું અને જેના કારણે જ દાસીપુત્રના જન્મ થતા હોવાનું ગ્રંથોમાં નોંધાયેલું છે. તેને અટકાવવું ઘણું મુશ્કેલ બન્યું છે. મુંબઇ, કલકત્તા અને અમદાવાદ જેવા મહાનગરોમાં ચોક્કસ વિસ્તાર કે જયાં દેહ વિક્રયનો ખુલ્લે આમ વેપાર ચાલે છે આવો જ એક વિસ્તાર રાજકોટના ભાવનગર રોડ પર ‘રેડ લાઇટ એરિયા’ ખુબ ચર્ચીત હતો અને આજે પણ છે. આ એરિયાને બંધ કરાવવા પોલીસે વાંરવાર પ્રયાસ કર્યો હોવા છતાં આજ સુધી કૂટણખાના બંધ કરાવી શકી નથી અને પોલીસની ભીસના કારણે છાને ખૂણે દેહના સોદા થતા હોવાનું સામે આવ્યું છે.મોટા શહેરોમાં ‘રેડ લાઇટ એરિયાને’ સામાન્ય રીતે બારોબાર રહેતો હોય છે અને ત્યાં ‘ઘરનો કચરો’ ઠવાતો હોવાનું કહેવાતું હતું. પણ છેલ્લા કેટલાક સમયથી રેડ લાઇટ એરિયા પર પોલીસની ભીસના કારણે રૂપલલનાઓ શહેરના ભદ્ર વિસ્તારમાં આવી દેહના સોદા કરવાનું શરૂ કરી રંગીન મિજાજીઓની જરૂરીયાત પુરી પાડતા હોવાનું સામે આવ્યું છે.
કેટલાક ભેજાબાજોએ સ્પાના ઓઠા તળે વિદેશી યુવતીઓને આશરો આપી આજના ડિઝીટલ યુગમાં વોટસએપ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ગ્રાહનનો સંપર્ક કરી વિદેશી યુવતીઓના ફોટા મોકલાવી રંગીન મિજાજીઓને લલચાવી આકર્ષિત કરી પોતાના નક્કી કરાયેલા સ્થળ પર મુલાકાત કરાવી કૂટણખાનાના સંચાલકના કેરિયર દ્વારા તમામ પ્રકારની સુવિધા પુરી પાડતા હોય છે. વિદેશી યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવી કાળી કમાણી કરતા હોય છે. ગ્રાહક પાસેથી તગડી રકમ વસુલ કરી રૂપલલનાઓને અડધાથી પણ ઓછી રકમ ચુકવી સંચાલકો પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. રાજકોટ શહેર પોલીસે છેલ્લા એક માસમાં રૈયા ચોકડી અંબિકા કોમ્પ્લેક્ષ, વામ્બે આવાસ યોજનાના કવાર્ટર, રાણી ટાવર પાછળ આવેલા યોગીનગર, લાખાજીરાજ ઉદ્યોગનગર અને બીગ બજાર પાછળ સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધા પર પોલીસે દરોડા પાડી એક મહિલા સહિત સાતની ધરપકડ કરી છે. પોલીસે બે વિદેશી રૂપલલા સહિત ચારને લોહીના વેપારમાંથી મુકત કરાવી છે. વિદેશી રૂપલલનાઓ સામે પોલીસે લાલ આંખ કરી તેની સામે વિઝા નિયમના ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે. તાલુકા પોલીસે યોગીનગરમાં ગઇકાલે દરોડો પાડી મહેશ ઉર્ફે મયુર અમૃત વાળા અને આકાશવાણી આલાસ સેન્ચુરીના ધવલ મનસુખ રાઠોડ નામના શખ્સોની ધરપકડ કરી છે. યોગીનગરમાં કૂટણખાનું ચલાવતા મહેશ ઉર્ફે મયુર વાળા સુરતના દલાલ મારફતે વિદેશી યુવતીઓને લોહીનો વેપાર માટે રાજકોટ બોલાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ પહેલાં તાલુકા પોલીસે વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી લીલા ઉર્ફે ઈલા શૈલેષ બગડાના ઘરે દરોડો પાડી રંગીન મિજાજી ગ્રાહક સુનિલ બચુ જાવીયાની ધરપકડ કરી રૂપલલનાને મુક્ત કરાવી હતી, ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળ સ્પાના ઓઠા તળે ચાલતા બે સ્થળે પોલીસે દરોડા પાડી ગ્રાહક ન હોવાથી બંને સ્પાના સંચાલકો અને હિન્દી ભાષી યુવતીઓ સામે લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા અંગેનો ગુનો નોંધ્યો હતો. રૈયા રોકડી પાસે આવેલા અંબિકા કોમ્પ્લેક્ષમાં ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી સુરતના ધવલ પરેશ વણપરીયા, અને બોટાદના લાઠીદળ ગામના અમૃત ભુદર પટેલ નામના શખ્સની ધરપકડ કરાઇ હતી.થોરાળા પોલીસે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ચાલતા કૂટણખાના પર દરોડો પાડી સહદેવ ઉર્ફે શૈલેષ હરી ગૌસ્વામી અને ધ્રાંગધ્રાના અબ્દુલ ઇકબાલ બાબી અને શાહરૂખ રફીક ભટ્ટીની કઢંગી હાલતમાં ધરપકડ કરી હતી.