સુરેન્દ્રનગર: ત્રણ દિવસથી લાપતા યુવાનનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો
સુરેન્દ્રનગરમાં ગણપતિ ફાટક પાસે રહેતા અને ત્રણ દિવસથી લાપતા યુવાનનો મૃતદેહ દુધરેજની કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગયો છે. ઘરેથી આટો મારવા જવાનું કહીને નિકળેલા પટોળાના કારીગરનું બાઈક પણ કેનાલ પાસેથી મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરમાં ગણપતિ ફાટક પાસે રહેતા અને પટોળાનું કામકાજ કરતા શરદભાઈ રાજુભાઈ પરમાર નામના 21 વર્ષીય યુવાનનો મૃતદેહ દુધરેજ કેનાલમાંથી મળી આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
આ અંગે પરિવારજનોએ જણાવ્યા મુજબ મૃતક શરદભાઈ પરમાર ગત તા.18મી નવેમ્બરના રોજ ઘરેથી આટો મારવા જવાનું ખીને બાઈક પર નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. પરંતુ તેમ છતાં યુવાનનો પતો ન જડતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.શરદભાઈ પરમારની શોધખોળ દરમિયાન પોલીસને તેમનું બાઈક દુધરેજ કેનાલ પાસે મળી આવતા ફાયર બ્રિગેડના જવાનોની મદદ લઈ કેનાલમાં શોધખોળ હાથધરી હતી. જેમાં ગઇ કાલે બપોરે લાપતા શરદભાઈ પરમારનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
શરદભાઈ પરમારનો મૃતદેહ મળતા પોલીસે પંચનામુ કરી યુવકના મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.