ભચાઉના લોધોશ્વર પમ્પ હાઉસ પાસેની નર્મદા કેનાલમાં બે દિવસ પૂર્વે ખાનગી અંગ્રેજી શાળાના છાત્રો ન્હાવા પડ્યા હતા. જેમાં ચાર પૈકી ત્રણ કિશોર વહેતા પ્રવાહમાં તણાઈને ડૂબી ગયા હતા. આ પૈકી એક બાળકની લાશ મળી હતી પરંતુ ચાર દિવસના વ્યાયામ બાદ સાયફન ખાલી કરાવાતા ત્યાંના બાકોરામાંથી રાત્રે બન્ને બાળકોની લાશ મળી હતી.
પમ્પ હાઉસ નજીક આવેલું સાયફન 84 મીટર લાંબુ અને 28 મીટર ઉંડુ
આ અંગે મળતી વિગતો મુજબ પમ્પ હાઉસ નજીક 24 આવેલું સાયફન 84 મીટર લાંબુ અને 28 મીટર ઉંડુ છે. કેનાલની 15 મીટરની નીચે વ્યાપક પાણીનો જથ્થો સંગ્રહીત’ છે. સાયફનને ખાલી કરવા માટે મોટી ક્ષમતાનું ડીઝલથી ચાલતો પમ્પીંગ સેટ, અમદાવાદથી મંગાવવામાં આવ્યો હતો. નર્મદા નિગમના અધિકારીઓ ભગત, કાર્યપાલક ઈજનેર ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે. સીંધ, મદદનીશ ઈજનેર ભૌમિકભાઈ, ભચાઉ પી.આઈ ઝેડ.એન. ઘાસુરા અને પોલીસ કર્મચારીઓ ચૂંટણીની કામગીરી વચ્ચે જોતરાયા હતા.
નર્મદા નિગમના કર્મચારીઓએ લાશ શોધવા માટે કરી તન તોડ મહેનત
નર્મદા નિગમના કર્મચારીઓ દ્વારા પણ 25 કીલોમીટર સુધી તપાસ કરવામાં આવી હતી. પરંતુ લાશ મળી ન હતી. અંતે સાયફન ખાલી થતાં પાણી નીચે ઉતરતા એકની રાત્રે 9-15 વાગ્યે અને બીજાં બાળકની 9-30 વાગ્યે સાયફનના બાકોરામાં ફસાયેલા બન્ને બાળકોની લાશ મળી આવી હતી.
ગત રાત્રીના મળેલા બાળકની લાશનું પોસ્ટ મોર્ટમ કરી તેની અંતિમવિધિ કરાઈ હતી. બહાર ગામની ઉપસ્થિત સબંધીઓ, શાળામાં ભણતા બાળકો જોડાયા હતાં. સ્મશાન યાત્રા દરમ્યાન ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. માતા-પિતાની તો રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી. મરણ જનાર બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા ખાસ કીસ્સામાં રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.