છ ખલાસીઓનો બચાવ: મહારાષ્ટ્રનો યુવાન લાપતા
દિવના વાણાંકબારા ગામની બોટ પોરબંદરથી હર્ષદ વચ્ચેના દરિયામાં એન્જીન ગરમ થતા આગ ભભૂકી ઉઠવા છ ખલાસીઓનો બચાવ થયો હતો જયારે એક ખલાસી લાપતા થતા તેની શોધખોળ આદરી છે.
આ અંગેની વિગત મુજબ વણાંકબારા ગામે રહેતા શૈલેશકુમાર દેવજી આંજણી નામના બોટ માલિકની ધનંજય નામની ફિશિંગ બોટ તા.ર૧ ના રોજ રાત્રે આઠેક વાગ્યે સાત ખલાસીઓ સાથે ફીશીંગમાં જવા રવાના થઇ હતી આ બોટ ગત મોડી રાત્રે ચારેક વાગ્યે પોરબંદરથી હર્ષદ વચ્ચેના દરિયામાં પોરબંદરથી ૪૫ કીમી દુર ફિશિંગ કરી રહી હતી. તે દરમ્યાન બોટનું એન્જીન ગરમ થઇ જવાથી અચાનક આગ લાગી હતી. બોટમાં સવાર તમામ સાતેય ખલાસી પોતાનો જીવ બચાવવા દરિયામાં કુદી પડયા હતા. નજીકમાં ફિશિંગ કરી રહેલ વણાંકબારાની અન્ય બોટે તેમાંથી છ ખલાસીઓના જીવ બચાવી લીધા હતા. જેમાં ટંડેલ દીલીપ છગન દરી (માઢવાડ) તથા પાંચ ખલાસીઓમાં પરેશ પ્રવીણભાઇ ગોહેલ (ઉ.વ.૨૮) રહે. વણાંકબારા, જેન્તી વિરાભાઇ વાજા (ઉના), દેવુ નવશાભાઇ હાકલ (તલસારી મહારાષ્ટ્ર) હાર્દિક પ્રેમજીભાઇ દરી (વણાંકબારા) ભરત છગનભાઇ દરી (માઢવાડ) વગેરેનો જીવ બચાવી લેવાયો હતો જયારે હજુ પણ તલસારી મહારાષ્ટ્રનો વતની અવિનાશ જાન્યાભાઇ સોમન (ઉ.વ.૧૭) નામનો ખલાસી લાપતા છે જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આગના કારણે બોટનો સંપૂર્ણ નાશ થઇ ગયો હતો. બચાવી લેવાયેલા તમામ ખલાસીઓને પોરબંદર બોટ એસો.ની ઓફીસ ખાતે જરુરી કાર્યવાહી કરવા માટે લાવવામાં આવ્યા હતા.