- અમદાવાદ જિલ્લા કલેકટર અને બોટના માલિકોની મીટીંગ મળી: નળ સરોવર ખાતે બોટિંગની મંજૂરી આપવા કરેલી અરજીઓન તાકીદે મંજૂરી આપી દેવાની કલેકટરની ખાતરી
સાણંદ નજીક આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્ય ખાતે સહેલાણીઓ માટે ટૂંક સમયમાં જ બોટિંગ એક્ટિવિટી શરૂ થઇ જશે. 120 કિ.મી.ની ત્રિજ્યામાં પથરાયેલા આ વિશાળ સરોવર ખાતે વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઇ ગયું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે બુધવારે તમામ નૌકામાલિકો સાથે એક મીટિંગ યોજી હતી અને તેમને ખાતરી આપી હતી કે, નળ સરોવર ખાતે બોટિંગની મંજૂરી આપવા તેમણે કરેલી અરજીઓને તાત્કાલિક મંજૂરી આપી દેવાશે. અત્યારે સેંકડો સહેલાણીઓ નળ સરોવર ખાતે પક્ષીઓ જોવા આવે છે, પરંતુ આ સરોવરમાં હાલ પક્ષીઓ દેખાતા ન હોવાથી તેઓ નિરાશ થઇને પાછા જાય છે. તદઉપરાંત હાલ બોટિંગ પણ શરૂ થયું નથી, તેથી સરોવર ખાતે પક્ષીની રાહ જોઇને બેસી રહેવાનું પણ કોઇ કારણ રહેતું નથી. હાલ હરવા-ફરવાની અને પ્રવાસનની સિઝન ચાલી રહી છે, પરંતુ નળ સરોવર ખાતેની આ સ્થિતિને કારણે હાલ સહેલાણીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે.વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ અહીં બોટિંગની પ્રવૃત્તિને તાત્કાલિક બંધ કરી દેવાઇ હતી. જોકે, હાઇકોર્ટની દરમિયાનગીરી બાદ સરકારે બોટિંગની પ્રવૃત્તિને મંજૂરી આપી હતી. તેમ છતાં નળ સરોવરમાં ફરતી બોટના માલિકો સરકાર પાસે મંજૂરી માગવા આવ્યા જ નહોતા, પરંતુ કેટલાક સહેલાણીઓ તરફથી સરકારને મળેલી ફરિયાદને પગલે સરકારે પહેલ કરીને બોટિંગ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બોટિંગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રેક્ટિસ(SOP) ઘડી કાઢવામાં આવી છે અને તદઅનુસાર આવેલી અરજીઓને અમે મંજૂરી આપીશું એમ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ‘નવગુજરાત સમય’ને કહ્યું હતું.નળ સરોવર ખાતે બોટિંગની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકી દેવાથી સેંકડો લોકોની રોજગારી છીનવાઇ ગઇ હતી. જે લોકોને પોતાનો રોજગાર ગુમાવવાનો વારો આવ્યો હતો તેમાં બોટના માલિકો, બોટ ચલાવનારા ખલાસી અને પ્રવાસનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નાના નાના વેપાર-ધંધા ચલાવનારા લોકોનો સમાવેશ થાય છે. નળ સરોવર ખાતે બોટિંગ ઉપર પ્રતિબંધ મૂકાવાથી બાવળા, વિરમગામ અને લીંબડી એમ ત્રણ તાલુકાના 15 ગામના લોકોની રોજગારી પર સીધી અસર પડી હતી.