જાફરાબાદ તાલુકાના શિયાળબેટ નજીક સવાઈપીરની દરગાહમાં દર્શન કરવા કિનારે બોટ લાંગરી ગયા હોય અને અચાનક આગ લાગી જતા બોટ સળગી જવા પામેલ છે.
આ સવાઈપીરની દરગાહ જે પીપાવાવ પોર્ટથી નજીક થાય છે. જેથી પીપાવાવ મરીન પીએસઆઈનો સંપર્ક સાધતા મરીન પીએસઆઈ શર્મા દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે, આ બોટ જાફરાબાદની છે. અમોને કંટ્રોલમાંથી ફોન આવેલ હોય જેથી મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા બોટ લઈને આગ બુઝાવવા ગયેલ પરંતુ આગ બુઝાઈ શકેલ નહીં.
આ અંગે પ્રાથમિક વિગત એવા પ્રકારની છે કે, જાફરાબાદના લોકો માનતા કરવા સવાઈપીર આવેલા તેઓ આ બોટનું એનકરીંગ કરીને માનતાએ ગયા ત્યાં અચાનક આ બોટમાં આગ લાગી ગયેલ હતી. આ અંગે જાફરાબાદ મરીન પીએસઆઈ જી.પી.જાડેજાનો સંપર્ક સાધતા તેઓએ તપાસ શરૂ હોય આગ કઈ રીતે લાગી અને તે અંગેના કારણોની તપાસ થઈ રહેલ છે. જે આવ્યેથી તમોને જણાવીશું. આમ બપોરનો બનાવ હોય અને રાત્રીના સાડા આઠ સુધી કોઈ હકિકત પોલીસ પાસે ન હોય તે કેવું કહેવાય.
આ અંગે જાફરાબાદના બોટ માલિક સાદીક ઈબ્રાહિમ અંગારીયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે અમો સવારે ૯ કલાકે જાફરાબાદથી નીકળીને સવાઈપીર ૧૧:૩૦ વાગ્યે પહોંચ્યા હતા અને ત્યાં અમારી માનતા હોય ૧૦૦ થી ૧૫૦ જણા આ માનતામાં આવેલા અને ત્યાં અમો સૌપ્રસાદ લેતા હોય તેવા સમયે લગભગ ૩:૧૫ મિનિટે બોટમાં અચાનક આગ લાગી ગયેલ જેને બુઝાવવાના પ્રયત્નો કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે કરેલ પરંતુ કારગત નિવડેલ નહીં. અમારી બોટ અમો માછીમારીમાં ઉપયોગ કરતા હતા અને આશરે ૨૫ લાખ જેટલી રકમની આ બોટ હતી .