કોર્પોરેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકનું નામકરણ કરાયું જ નથી: શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર હાર્દિક ગોહીલે પણ સ્ટેટ્સમાં બ્રિજના નામકરણની વિગત મૂકતા ભારે આશ્ર્ચર્ય
ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં કરોડો રૂપિયાના ખર્ચે ટ્રાએંગલ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. હજુ સુધી કોર્પોરેશન દ્વારા બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું નથી. દરમિયાન રાતોરાત સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર ડો.બી.આર.આંબેડકર બ્રિજ એવા બેનરો લાગી જતા લોકો આશ્ર્ચર્યમાં મૂકાઇ ગયા છે.
પદાધિકારીઓ આ વાતથી તદ્ન અજાણ છે. તો બીજી તરફ શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરોએ બ્રિજનું નામકરણ કરાઇ હોવાની વિગતો પોતાની મોબાઇલ સ્ટેટ્સ પર મૂકી છે.
સિવિલ હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે. અહિં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજને ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા ડો.બાબા સાહેબ આંબેડકરનું નામ આપવા માંગણી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા આ અંગે કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી શુક્રવારે આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. તે પૂર્વે આજે સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર અલગ-અલગ જગ્યાએ ડો.બાબા સાહેબ આંબેડકર બ્રિજ એવા બેનરો લગાવી દેવામાં આવ્યા છે. જેમાં બાબા સાહેબનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે.
કોર્પોરેશનના પદાધિકારીઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે બ્રિજને કોઇ નામ આપવામાં આવ્યું નથી. ભવિષ્યમાં નામકરણ અંગે વિચારણાં કરવામાં આવશે. દરમિયાન શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટર હાર્દિક ગોહીલે પોતાના મોબાઇલ સ્ટેટ્સમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ ડો.બાબા સાહેબ આંબેડકર બ્રિજ તરીકે ઓળખાશે તેવું સ્ટેટ્સ મૂકતા લોકો આશ્ર્ચર્યમાં પડી ગયા છે.