આગામી 15 જુલાઈથી શરૂ થનારી ધો.10 અને 12ની રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાર્થી પર સીસિટીવીથી બાજ નજર રાખવામાં આવશે. તેના માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ચાલુ હોવા અંગેનો અહેવાલ મોકલવા આદેશ કર્યો છે.જે સ્કૂલોને પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યાં કેમેરાની વ્યવસ્થા છે કે કેમ તેની ચકાસણી કરી બોર્ડને અહેવાલ સુપ્રત કરાશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા સીસીટીવી કેમેરા અંગેની માર્ગદર્શક સુચનાઓ પણ ડીઈઓને મોકલી આપી છે. કેમેરામાં વિડીયોની સાથે ઓડીયો રેકોર્ડીંગની પણ સુવિધા હોવી જોઈએ તે માટે પણ બોર્ડ દ્વારા જણાવાયું છે.
સીસીટીવી ધરાવતી શાળાઓને જ કેન્દ્ર અપાશે
શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ચાલુ હોવા અંગેનો અહેવાલ મોકલવા આદેશ કર્યો: કેમેરામાં વિડીયોની સાથે ઓડીયો રેકોર્ડીંગની પણ સુવિધા હોવી જોઈએ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને લઈ જિલ્લાની સીડી વ્યુઈંગ તેમજ કોપી કેસ તૈયાર કરવા અંગેની કામગીરી વધારે સારી રીતે કરવા માટે તાકીદ કરી છે.આગામી જુલાઈ 2021માં લેવાનારી ધોરણ-10 અને ધોરણ-12ના ખાનગી, રિપીટર અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા દરમિયાન સીસીટીવી કવરેજ અસરકારક રીતે કરવા માટે બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચના આપી છે. જે સ્કુલોને છેલ્લા 3 વર્ષ દરમિયાન મંજુરી મળી હોય અને તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યો હોય તો તેવી શાળાની નોંધણીની શરત મુજબ સીસીટીવીની વ્યવસ્થા ફરજિયાત હોવી જરૂરી છે.
તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીના ઈન્સ્ટોલેશનથી સજ્જ હોય, સીસીટીવી કેમેરા કાર્યરત હોય તેમજ સીસીટીવી ઓડીયો રેકોર્ડીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે અને ફુટેજની ડીવીડીમાં ઓડીયો વિડીયો રેકોર્ડીંગ તૈયાર કરીને મોકલવા માટે સુચના અપાઈ છે. દરેક બ્લોકમાં કેમેરાની સામેની બાજુની દિવાલ પર પરીક્ષાનો બ્લોક નંબર દર્શાવતો કાગળ લગાડવાનો રહેશે. કેમેરાની સામે દરેક બ્લોકમાં સ્ટાન્ડર્ડ સમય પ્રમાણમાં ઘડીયાળ ગોઠવવાની રહેશે. કેમેરામાં સુપરવાઈઝર વ્યવસ્થિત દેખાય તે રીતે ગોઠવવાનું રહેશે.
વર્ગખંડ નિરીક્ષકે સીસીટીવીની સામે ઉભા રહીને પોતાનું નામ અ વિષયનું નામ તથા વિષય નંબર અને પરીક્ષા કેન્દ્રનો કોડ નંબર દર્શાવવાનો રહેશે.પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સ્થળની અલગ ફાઈલ બનાવવાની રહેશે અને તે જ રીતે સ્ટ્રોંગરૂમ રેકોર્ડીંગની પણ અલગ ફાઈલ બનાવવાની રહેશે. પરીક્ષા ખંડનું પરીક્ષા સમયથી 15 મિનીટ પહેલા અને 15 મિનીટ પછી સુધીનું રેકોર્ડીંગ કરવાનું રહેશે.