યુનિવર્સિટીમાં વાર્ષિક સ્પોર્ટસ કેલેન્ડર જાહેર થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરૂવારે બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠક મળશે જેમાં યુનિવર્સિટીનાં વાર્ષિક કેલેન્ડર જાહેર થશે. સાથોસાથ તમામ રમતોની સ્પર્ધા યોજાઈ તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તા.૨૫નાં બપોરે ૧૨ વાગ્યે બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠક મળશે. જેમાં યુનિવર્સિટીનું વાર્ષિક સ્પોર્ટસનું કેલેન્ડર જાહેર થશે. સાથે જ એક પ્રશ્ન એ પણ હતો કે તમામ રમતો અત્યાર સુધી રમાતી ન હતી પરંતુ હવે આ વર્ષે તમામ રમત-ગમતની સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લે તે પ્રકારનું વિશેષ આયોજન થશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ સ્પોર્ટસની મીટીંગમાં શારીરિક શિક્ષણ નિયામક ડો.ધીરેન પંડયા તથા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનાં પીટીઆઈ ઉપસ્થિત રહેશે. આ વર્ષે સ્ટેટ અને નેશનલ લેવલની સ્પર્ધા પહેલા આંતર કોલેજની તમામ સ્પર્ધાઓ યોજવામાં આવશે જેથી આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા જવામાં ખેલાડીઓને મુશ્કેલી ન ઉભી થાય.
આ ઉપરાંત અત્યાર સુધી એક પ્રશ્ર્ન એ પણ હતો કે આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં જવા માટે આંતર કોલેજમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને અંત સુધી જાણ જ થતી ન હતી કે, તેઓ પસંદગી પામ્યા છે જેથી હવે સ્પર્ધા પટે તે તુરંત જ વિજેતા વિદ્યાર્થીઓનાં નામ જાહેર થશે જેથી આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં જવા માટેની રેલવેની ટીકીટ એડવાન્સમાં બુક કરાવી દેવામાં આવશે. આ રીતે સ્પર્ધકોને ટ્રેન મારફતે જે-તે સ્થળ પર આંતર યુનિવર્સિટીની રમત રમવા માટે લઈ જવામાં આવશે. આગામી ગુરુવારે મળનારી બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠકમાં વાર્ષિક કેલેન્ડર સહિત ઉપરનાં તમામ મુદાઓની ચર્ચા-વિચારણા કરી અનેરૂ આયોજન ઘડવામાં આવશે.