- ધોરણ 10માં 40 કેન્દ્રના 173 બિલ્ડિંગના 1,568 બ્લોક પરથી 45,642 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સાયન્સમાં 6 કેન્દ્રોના 42 બિલ્ડિંગમાં 439 બ્લોક પરથી 8,653 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થશે અને 26 માર્ચે પૂર્ણ થશે. જેમાં રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 312 બિલ્ડિંગોના 2,851 બ્લોક પરથી 80,510 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.રાજ્યમાં 11 માર્ચથી શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાને લઈ પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં 140 જેટલા સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયા છે અને તેમાં પ્રશ્નપત્રો મોકલી સ્ટ્રોંગરૂમ સીલ કરી દેવામાં આવ્યા છે.
પરીક્ષાના દિવસે સ્ટ્રોંગરૂમમાંથી પ્રશ્નપત્રો કેન્દ્રો ખાતે મોકલવામાં આવશે. સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રોની સુરક્ષા માટે થ્રી લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ઉપરાંત તમામ સ્ટ્રોંગરૂમ CCTVથી સજ્જ હોવાનું જાણવા મળે છે. આમ, હવે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળે છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 40 કેન્દ્રના 173 બિલ્ડિંગના 1,568 બ્લોક પરથી 45,642 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 6 કેન્દ્રોના 42 બિલ્ડિંગમાં 439 બ્લોક પરથી 8,653 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્રો છે અને 97 બિલ્ડિંગ છે. જેમાં 844 બ્લોક પરથી 26,215 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં 8 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે.
ધોરણ 10માં રાજકોટ શહેરમાં બેડીપરા, સદર અને મવડી જ્યારે ગ્રામ્યમાં ધોરાજી અને જસદણ એમ કુલ 5 ઝોન રાખવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં રાજકોટ ધોરાજી અને જસદણ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ 1 અને 3 તથા ધોરાજી અને જસદણ એમ કુલ 4 ઝોન પરથી પરીક્ષા લેવામાં આવશે. રાજકોટ જિલ્લાના તમામ ઝોન પરના તમામ બિલ્ડિંગના બ્લોક CCTV કેમેરાથી સજ્જ છે. એટલે કે, રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપરથી લેવામાં આવશે. તે તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ 11 માર્ચથી શરૂ થવાની છે ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા માટેના પ્રશ્નપત્રો પણ પ્રિન્ટ થઈને તૈયાર થયા બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો મોકલી દેવામાં આવ્યા છે અને આ પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં આવ્યા બાદ સ્ટ્રોંગરૂમ સીલ કરી દેવાયા હોવાનું પણ જાણવા મળે છે.
સમગ્ર રાજ્યમાં 140 જેટલા સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ સ્ટ્રોંગરૂમમાં જે તે જિલ્લાના પ્રશ્નપત્રો મોકલી દેવાયા હોવાનું જાણવા મળે છે. જેમાં અમદાવાદ શહેરના પણ 12 જેટલા સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો આવી ગયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સ્ટ્રોંગરૂમની બહાર રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી કોઈ પણ બહારની વ્યક્તિ સ્ટ્રોંગરૂમ સુધી પહોંચી શકશે નહીં. આ ઉપરાંત જિલ્લાના ડીઈઓ દ્વારા પણ પરીક્ષા શરૂ ન થાય તે પહેલા સુધી સમયાંતરે સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ સુરક્ષાની ચકાસણી કરતા રહેશે. આમ, પરીક્ષાના પ્રશ્નપત્રો લીક ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
જિલ્લાના 4 કેન્દ્રો અતિસંવેદનશીલ
રાજકોટ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અતિ સંવેદનશીલ કેન્દ્રોમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં ગોંડલ અને દેરડી કુંભાજી જ્યારે ધો. 12માં પડધરી અને ભાયાવદર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં ધો. 10માં પડધરી, ભાયાવદર અને વીરપુર જયારે ધો. 12માં ગોંડલ છે. એટલે કે 11 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા દરમિયાન 8 પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.