ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ: ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૩મીએ પૂર્ણ થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા હાલ અંતિમ ચરણોમાં ચાલી રહી છે. આવતીકાલે ધો.૧૦માં દ્વિતીય ભાષા હિન્દીનું પેપર તેમજ આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ દ્વિતીય ભાષા પેપર રહેશે. આ ઉપરાંત ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૩મી માર્ચના રોજ પૂર્ણ થશે. અગાઉ શનિવારે ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. પરીક્ષા અંતિમ તબકકામાં હોય વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આવનાર નવા સત્ર સુધી વિદ્યાર્થીઓ વેકેશન માણવાના છે. ધો.૧૦માં આવતીકાલે અંતિમ પેપર પૂર્ણ થઈ જશે. તેમજ ધો.૧૨ સાયન્સમાં ૨૩મી માર્ચે અંતિમ પેપર યોજાનાર છે.
રાજકોટ શહેર-જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૫,૭૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમના માટે ૩૫૭ બિલ્ડીંગમાં ૩૩૬૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ.ઉપાધ્યાયે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો.૧૦માં કુલ ૫૭,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૦,૩૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમજ સામાન્ય પ્રવાહમાં ૨૮૪૧૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાઉન્ડ ધી કલોક ચુસ્ત બંદોબસ્તમાં પરીક્ષા યોજાઈ હતી. કોઈ ગેરરીતિ કે ચોરીના બનાવો ન બને તે માટે સતત કંટ્રોલરૂમ ઉપર બાજ નજર રાખવામાં આવી હતી. એકંદરે રાજકોટ શહેર-જિલ્લામાં શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી.
આજે ધો.૧૦માં રજા બાદ આવતીકાલે ધો.૧૦માં અંતિમ દ્વિતીય ભાષાનું પેપર યોજાશે. શનિવારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. હજુ પણ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આવતીકાલે દ્વિતીય ભાષા ગુજરાતી અને અંગ્રેજીનું પેપર રહેશે ત્યારબાદ રજા અને ૨૨મીએ કોમ્પ્યુટર પરીચય અને ૨૩મી માર્ચના રોજ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અંતિમ પેપર સમાજ શાસ્ત્રનું રહેશે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને બે મહિનાનું વેકેશન રહેશે. ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનું પરીણામ જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થાય તેવી શકયતા છે.