અબતક સાથેની મુલાકાતમાં બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે.
૧૫મીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ વિદ્યાર્થીઓને શાંત ચિતે, એકાગ્રતાથી અને ભયમુકત થઈને બોર્ડની પરીક્ષા આપવા સલાહ આપી છે. તેમને ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે.
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશો પાઠવતા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાનું ખુબ જ સુંદર રીતે આયોજન કરાયું છે. બોર્ડના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓએ વર્ષ દરમિયાન ખુબ જ મહેનત કરી છે ત્યારે પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓએ સંપૂર્ણપણે ભયમુકત થવાનું છે અને પરીક્ષા દરમિયાન તેમણે પોતાની ક્ષમતાઓનું ૧૦૦ ટકા પ્રદર્શન કરવાનું છે. તંત્રની કામગીરી અંગે માહિતી આપતા વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે વહિવટી તંત્ર પુરી રીતે વિદ્યાર્થીઓની સાથે છે. કોઈપણ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે એના માટે તંત્ર દ્વારા બધી સુવિધાઓ કરવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન આચરાય તેના માટે તમામ બોર્ડ એકઝામ સેન્ટરની શાળાઓમાં સીસીટીવી કેમેરાની ગોઠવણી કરાઈ છે. દરેક સેન્ટરની શાળાઓને અગાઉથી જ મીટીંગ બોલાવી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેની સુચના અપાઈ ગઈ છે. બોર્ડની પરીક્ષા અંગે રાજય સરકાર દ્વારા પણ વિડિયો કોન્ફરન્સ પણ યોજાઈ ગઈ છે.
બોર્ડની પરીક્ષામાં ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓને સફળતા મળતી નથી ત્યારે વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જતા હોય છે અને એમના વાલીઓ પણ ખુબ જ હતાશા અનુભવતા હોય છે ત્યારે વધુમાં કલેકટર વિક્રાંત પાંડેએ પોતાનો વ્યકિતગત અનુભવને ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોઈપણ સફળતા વગર મહેનતે કદી મળતી નથી. પોતાની ક્ષમતાઓની સાથોસાથ જયારે નિરાશાની સ્થિતિમાં હોય અને એમાંથી બહાર નીકળવાની ક્ષમતા જો આપણામાં ન હોય તો સફળતા મળતી નથી. સફળતાનો કોઈ જ શોર્ટ કટ નથી. સફળતા પાછળ સંઘર્ષ જરૂરી છે.
નિરાશાની સ્થિતિમાં જે ખરી તાકાત બતાવશે એ જ સાચા અર્થમાં તપીને સોનાના અર્થમાં બહાર આવશે. મેડિકલ હોય કે યુપીએસસી મહેનત કરવાથી સફળતા અચુક મળે જ છે. કોઈપણ વ્યકિત કયારેય સીધો ઓફિસર બની જતો નથી. એને ઘડવામાં માતા-પિતા, પરિવાર, મિત્રો અને ગુ‚જનોનો સહયોગ રહેલો હોય છે. ત્યારે દરેક ગુ‚જનોએ પોતાના વિદ્યાર્થીઓમાં અને માતા-પિતાએ પોતાના સંતાનોમાં વિશ્ર્વાસ પુરો પાડવો જોઈએ.