અન્ય નામ ધરાવતી સમાન ગેમ્સ પણ બ્લોક થશે
ગુજરાતમાં બ્લૂ વ્હેલ ગેમ ઉપર પ્રતિબંધ લાવ્યા બાદ તેની લિંક મોકલનાર વિશે માહિતી આપનારને પણ એક લાખનું ઇનામ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલી સૂચનાના પગલે મુખ્ય સચિવ અને ગૃહ વિભાગે બેઠક બોલાવ્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં બ્લ્યૂ વ્હેલ ગેમના ઉપયોગ તથા તેમાં મદદગારી પર પ્રતિબંધ મૂકાયો છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને સૂચના મંત્રાલય દ્વારા તમામ સર્વિસ પ્રોવાઇડરોને તેમના પ્લેટફોર્મ પરથી ગેમને દૂર કરવા વિનંતી કરાઇ છે. બીજી તરફ સરકારે ગેમ લોકો સુધી પહોંચે નહીં તેની કવાયત પણ શરૂ કરી છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની આઇટી ટીમ કામે લગાડવામાં આવી છે. બ્લૂ વ્હેલ ગેમ્સ પર પ્રતિબંધની સાથે યુઝર્સ ગેમ ડાઉનલોડ કરી કે રમી શકે તે માટે તેની લિંક આપતા હોય તેવા 8 જેટલા યુઆરએલ પ્રાથમિક તબક્કે આઇડેન્ટિફાય કરીને બ્લોક કરાયા છે.
આ અંગે સરકારે હેલ્પલાઇન નંબર 079-22861917 શરૂ કર્યો છે.
ગેમના અંતિમ ટાસ્કમાં આત્મહત્યા કરવા માટે પ્રેરનાર બ્લુવ્હેલ ગેમે દુનિયા આખીને હચમચાવી દીધી છે. ભારતમાં પણ દિવસે દિવસે આ ગેમથી પીડિત લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત સરકારે ઘાતક બ્લુવ્હેલ ગેમની માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું કે બ્લુવ્હેલ ગેમની માહિતી કે લિંક આપશે તેને સરકાર પ્રોત્સાહિત કરશે અને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે.
ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં એક યુવકે બ્લુવ્હેલ ગેમ રમ્યા બાદ અંતિમ પગલું ભરતાં ગુજરાત સરકાર ચેતી ગઇ છે. લોકોની જિંદગી સાથે ચેડાં કરતી આ ગેમ પર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આનાથી આગળ વધી રાજ્ય સરકારે જે લોકો આ ગેમની લીંક શેર કરે છે અને બીજાને આ ગેમ રમવા માટે પ્રેરિત કરે છે તેવા લોકોને બાનમાં લેવાની તૈયારી કરી લીધી છે. તેના માટે સરકારે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.