આપતકાલીન સેવાઓ માટે દોડતા વાહનોમાં મલ્ટીકલર બત્તીનો ઉપયોગ કરવા પર કોઈ રોક નહીં
દેશમાં વીઆઈપી કલ્ચરને નાબુદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેમાં આગામી ૧લી મે થી મંત્રીઓ લાલબતીવાળી ગાડીઓનો ઉપયોગ કરી શકશે નહીં. આ માટે મોટર વ્હીકલ એકટમાં પણ ફેરફાર કરવામાં આવશે. કેબિનેટના આ લાલબતી હટાવવાના નિર્ણય સાથે વીઆઈપીના કોન્વેમાં દોડતા વાહનો પરથી પણ બ્લુબતી હટાવાશે.
આ પ્રકારના બદલાવો માટે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એકે ડ્રાફટ નોટિફીકેશન જાહેર કર્યું છે. જેમાં આપતાકાલીન સેવાઓ માટે દોડતા વાહનોમાં રેડ, બ્લુ અને વ્હાઈટ એમ મલ્ટીકલર બતીનો ઉપયોગ કરવા પર કોઈ રોક લગાવાઈ નથી. મંત્રીઓ વગેરેની ગાડીઓમાં લાલબતી રાખવાનો અધિકાર આપતા કાયદાને જ કાઢી નખાયો છે. મોદી સરકારની કેબિનેટે લોકોને આ નિર્ણય માટે તેમના સલાહ-સુચનો આપવા માત્ર દસ દિવસ ફાળવ્યા છે. સામાન્ય રીતે, આવા કોઈ નિર્ણય અને તેની પ્રોસેસ માટે પંદર દિવસ અથવા એક માસનો સમય અપાતો હોય. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે, એક વખત નવા નિયમો લાગુ થયા બાદ આપતકાલીન સેવાઓ માટે દોડતા વાહનો સિવાય કોઈ પણ બતીઓનો ઉપયોગ કરી શકશે નહીં. લાલ, બ્લુ વગેરે બતીના ઉપયોગ પર રોક લાગવાથી વીઆઈપી કલ્ચરનો અંત આવશે અને લાલ, બ્લુ, બતીઓનો થતો ગેરઉપયોગ અટકાવી શકાશે. ડ્રાફટના નિયમો પ્રમાણે બ્લુ બતીનો ઉપયોગ એરપોર્ટની અંદર, બંદરો અને માઈનીંગ વિસ્તારમાં કરવાની છુટ અપાઈ છે.