પુનિતનગર, સુર્યમુખી હનુમાન મંદિર પાસે, નવાગામ, માંડાડુંગર, મનહર સોસાયટી અને મોચી બજારમાં સશસ્ત્ર અથડામણ: ત્રણ મહિલા સહિત દસ ઘવાયા
શહેરમાં છેડતી, દારૂના પૈસા માટે, ઝૂંપડું ખાલી કરવા જેવી સામાન્ય બાબતે પૂનિતનગર, સુર્યમુખી હનુમાન મંદિર મફતીયાપરા, નવાગામ આણંદપર, માંડાડુંગર, મનહર સોસાયટી અને મોચી બજારમાં મારામારી થયાની ઘટના પોલીસમાં નોંધાઇ છે. સશસ્ત્ર હુમલામાં ત્રણ મહિલા સહિત દસ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પુનિતનગરના પાણીના ટાંકા પાસે મફતીયાપરામાં રહેતા અશોકભાઇ દેવરાજભાઇ સાડમીયાએ પાડોશમાં રહેતા રમેશ માવજી સાડમીયા, અજય માવજી સાડમીયા, વિજય માવજી સાડમીયા અને સંજય માવજી સાડમીયાએ ઝૂંપડું ખાલી કરવા ધમકી દઇ ધારિયા અને પાઇપથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હુમલા દરમિયાન અશોક દેવરાજ સાડમીયા, હસમુખ દેવરાજ સાડમીયા, દેવરાજ રવજી સાડમીયા અને નિરૂબેન હસમુખ સાડમીયા ઘવાતા સારવાર માટે દાખલ કરાયા છે.
જ્યારે રમેશ માવજી સાડમીયા પર અશોક દેવરાજ, દેવરાજ રવજી, અમર રણજીત અને દિનેસ રવજી નામના શખ્સોએ ધારિયા, પાઇપથી હુમલો કરી પથ્થરના છુટા ઘા માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સંજય માવજી અને લાભુબેન માવજી સાડમીયા ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.માંડાડુંગર પાસે આવેલા આરતિ પાન નામની દુકાન પાસે રહેતા સંજયભાઇ મનસુખભાઇ સોડમીયા નામના ૩૨ વર્ષના યુવાનને બાઇક આડુ ઉભુ રાખવાના પ્રશ્ર્ને હસમુખ પટેલ અને ચાર અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ભગવતીપરા પોલીસ ચોકી પાસે રહેતા બ્રિજેશભાઇ જગાભાઇ ભારદ્વાજ નામના ૧૯ વર્ષના યુવાનને મોરબી રોડ પર આવેલા સુર્યમુખી હનુમાન મંદિર પાસે દારૂ માટે રૂ.૮૦૦ની માગણી કરી ગની, અમીત બોરીચા, સાહિલ અને અર્જુન બોરીચા નામના શખ્સોએ પથ્થરના ઘા માર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નવાગામ આણંદપર ગામે રહેતા દિલીપભાઇ પોપટભાઇ વાઘેલા નામના ૩૫ વર્ષના યુવાનની પુત્રીને રમેશ પોપટનો જમાઇ ભગાડી ગયો હોવાથી બંને વચ્ચે ચાલતી બોલાચાલીના કારણે રમેશ પોપટ, મનસુખ પોપટ, ચંપાબેન પોપટ અને ભરત સાડમીયા નામના શખ્સોએ પાઇપથી દિલીપભાઇ વાઘેલા અને તેમની પત્ની હંસાબેન વાઘેલાને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.મોચી બજાર ખાડામાં પાસે રહેતા અશોકભાઇ ભીખાભાઇ ઝરીયા નામના ૪૦ વર્ષના યુવાન અને તેની માતા બચીબેન પર હલણના પ્રશ્નને આરિફ રજાક, હુસેન બસીર અને નિલેશ ઓડેદરા નામના શખ્સોએ છરીથી હુમલો કર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જુના માકેર્ટીંગ યાર્ડ પાસે આવેલી મનહર સોસાયટીમાં રહતા કિશન મગનભાઇ બાંભણીયા નામના ૨૦ વર્ષના યુવાનને અહીં કેમ બેઠો છે તેમ કહી રણજીત રામ અને વિક્રમ નામના શખ્સો છરીનો ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બી ડિવિઝન પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.