- અલગ- અલગ ચાર પોલીસ મથકમાં 47 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
- રૈયાધાર નજીક વાહન સાઈડમાં રાખવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ
શહેરમાં ઉતરાયણ પર્વ લોહીયાળ બની હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. જેમાં શહેરમાં અલગ અલગ સાત સ્થળોએ હુમલાની ઘટનાઓ સામે આવી છે. જેમાં કુલ 17 લોકો ઈજાગ્રસ્ત થયાં છે જયારે કુલ 47 શખ્સો વિરુદ્ધ અલગ અલગ ચાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ મામલામાં અયોધ્યા ચોક નજીક સેફરોન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ રામકેવલ શર્માએ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કાનાભાઈ, રામભાઈ તેમજ અન્ય પાંચ શખ્સોના નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને રાજકોટ ખાતે ભાઈ સાથે રહી મિસ્ત્રીકામ કરે છે. ગઈકાલે બપોરે બારેક વાગ્યાં આસપાસ તેઓ તેમના ભાઈ શ્યામલાલ ડઠે ઘર નજીક આવેલ વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીની બોટલ ભરવા ગયાં હતા. જ્યાં કાનાભાઇ અને રામાભાઇ અગાઉથી હાજર હતા. ત્યારે કાનાભાઈએ મને મોટરસાયકલ સાઈડમાં રાખવાનું કહ્યું હતું. હું મોટરસાયકલ સાઈડમાં મુકું તે પૂર્વે એક રીક્ષા ચાલક ધસી આવ્યો હતો અને મારા મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી મેં હવે નુકસાનીનો ખર્ચ કોણ આપશે તેવું પૂછતાં કાનો, રામો અને રીક્ષા ચાલકે એકસંપ કરી મને અને મારા ભાઈને ગાળો આપવા લાગેલ હતા અને માર મારવા લાગેલ હતા. જેથી હું મારા ઘરે જતો રહ્યો હતો. જે બાદ ઘરે વાત કરતા હું તથા રાકેશભાઈ, પ્રદીપભાઈ, શ્યામલાલ, અર્જુન ચુનીલાલ, પ્રમોદભાઈ બધા ભેગા મળી કાનાભાઈના વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે સમાધાન કરવા માટે ગયેલ હતા. જ્યાં બોલાચાલી થતાં કાનાભાઇ અને રામભાઈએ લાકડાના ધોકા વડે મને તથા રાકેશભાઈને માર માર્યો હતો. જેના લીધે રાકેશભાઈના માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યુ હતું. રામભાઈએ અર્જુનભાઈને માથાના ભાગે ધોકો મારતા બેભાન થઈ જતા અર્જુનભાઈ ત્યાં નીચે પડી ગયેલ હતા. દરમિયાન અન્ય ચાર શખ્સો ધસી આવ્યા હતા અને અમને બધાને આડેધડ માર મારવા લાગેલ હતા. જે બાદ અમે ત્યાંથી નાસી સારવાર અર્થે જઈ રહ્યા હતા ત્યારે સામાવાળા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકતા અમારી ફોર વ્હીલ કારમાં તોડફોડ કરી હતી.
જયારે સમાપક્ષે રૈયાધારના શાસ્ત્રીનગરમાં રહેતા કાનાભાઇ જગમલભાઈ સાટીયાએ વળતી ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, હું દેવરાજ વોટર સપ્લાય નામનો ફિલ્ટર પ્લાન્ટ ચલાવું છું. ગઈકાલે બપોરે બારેક વાગ્યાં આસપાસ હું અને રામભાઈ સાટીયા પ્લાન્ટએ હાજર હતા ત્યારે વિશાલ અને શ્યામલભાઈ પ્લાન્ટ ખાતે પાણી ભરવા આવેલા હતા. જેથી મેં વિશાલને વાહન સાઈડમાં રાખવાનું કહેતા તેની સાથે આવેલ શ્યામલ મારી સાથે બોલાચાલી કરવા લાગેલ હતો જેથી મેં પાણી ભરવાની ના પાડી દેતા તેઓ પ્લાન્ટ ખાતેથી ચાલ્યા ગયેલ હતા. થોડીવારમાં તે બંને તેમની સાથે રાકેશભાઈ, પ્રદીપભાઈ, અર્જુનભાઈ તથા તેની સાથે અન્ય ચાર અજાણ્યા માણસો લઈને આવેલ હતા. ત્યારે રાકેશભાઈ તથા પ્રદીપભાઈ પાસે લોખંડ તથા લાકડાના પાઈપ હોય અને વિશાલભાઈ, શ્યામલાલભાઈ, તથા અર્જુનભાઈ પાસે લાકડાના પાઇપ હોય તે અમને પાણી ભરવાની ના કેમ પાડી કહી રાકેશભાઈએ લોખંડનો પાઈપ મારા માથામાં મારેલ અને પ્રદીપભાઈએ રામભાઈના માથામાં મારેલ હતો. વિશાલભાઈ તથા શ્યામલાલ તેમજ અર્જુનના હાથમાં ધોકા હોય જે મને તથા રામભાઈને આડેધડ મારવા લાગેલ હતા અને અમારા પ્લાન્ટમાં અન્ય ચાર અજાણ્યા માણસો તોડફોડ કરવા લાગેલા ત્યારે પ્લાસ્ટિકના કેરબા તોડી ફાડી કરી નાસી ગયાં હતા. મામલામાં યુનિવર્સીટી પોલીસે સામસામે બંને પક્ષે સાત શખ્સો વિરુદ્ધ નામજોગ જયારે નવ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોટરસાયકલ લઈને ભાગી રહેલા શખ્સને ટપારતા કાળીપાટના યુવકને લાફા ઝીંકી દીધા
આજીડેમ પોલીસમાં કાળીપાટ ગામના 32 વર્ષીય યુવાન દિગ્વિજયસિંહ વનરાજસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ હું અમારા ગામ કાળીપાટમાં મુકેશભાઈ મેરની દુકાને માવો ખાવા માટે ઉભો રહેલ હતો અને મારું મોટરસાયકલ મે ત્યાં દુકાનની બાજુમાં રાખેલ હતું. તેવામાં અમારા ગામમાં રહેતો સંજય રામજી ગોવાણી ત્યાં આવેલ અને મારું મોટરસાયકલ ચાલુ કરીને ભાગવા લાગેલ જેથી મેં આ સંજય ગોવાણીને કહેલ કે ઉભો રહે મારું વાહન ક્યાં લઈ જાય છે. જેથી તેણે વાહન ઉભું રાખી દીધું હતું અને કહ્યું હતું કે, ડખો કરવા માટે જવું છે. જેથી મેં કહેલ કે તું મારું મોટર સાયકલ લઈને જતો નહીં, બાકી તારે જે કરવું હોય તે કરજે. બાદમાં સંજય ઉશકેરાઈ ગયો હતો અને ગાળો આપી ઝપાઝપી કરી ઝાપટ મારી દીધી હતી અને તું અહીં જ રહેજે તને છરીના ઘા ઝીંકી દેવા છે તેમ ધમકી આપેલ હતી.
થોરાળામાં પાન-ફાકી ખાવા પૈસા નહિ આપનાર ધો. 12ના વિદ્યાર્થી પર હુમલો
થોરાળા પોલીસમાં નોંધાયેલી હુમલાની ફરિયાદમાં શની છગનભાઇ સોલંકી (ઉ.વ-19 રહે. -નવા થોરાળા 3/4 નો ખૂણો) નામના ધોરણ 12ના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગત તા. 13 જાન્યુઆરીના રોજ હું મિત્ર વિપુલભાઈ પરમારના ઘરેથી પરત આવતો હતો ત્યારે સર્વોદય સોસાયટી શેરી નં.33માં આવેલ રાધીકા ક્લાસીસ પાસે પહોચતા એક કાળા કલરના એકટીવામાં મોહીત ઉફે કાળુ દીપકભાઈ પરમાર અને જયુભાઈ ચાવડા મારી પાસે આવી એકટીવા ઉભી રાખી મને કહેલ કે મને પાન-ફાકી ખાવા પૈસા આપ. જેથી મે કહેલ કે મારી પાસે પૈસા નથી તો આ મોહીતએ કોઈ હથિયાર વડે મને માથામાં મારતા હું પડી ગયો હતો. જે બાદ જયુંએ લાકડી વડે માર મારતા જમણા હાથના અંગુઠામાં ઇજા થઇ હતી. જેથી મેં રાડારાડી કરતા મારા માતા ભાવનાબેન દોડી આવતા હુમલાખોરો નાસી ગયાં હતા. જે બાદ વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ઠાકરધણી હોટેલ ખાતે જાહેરમાં મારામારી કરનાર 15 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
યુનિવર્સીટી પોલીસના કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝણકાટે ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું ફરજ પર પેટ્રોલિંગમાં હતો ત્યારે બપોરે બે વાગ્યાં આસપાસ કંટ્રોલ રૂમમાથી કોલ મળેલ કે આકાશવાણી ચોક નજીક ઠાકરધણી હોટલ પાસે ઝગડો ચાલુ છે અને માણસો ભેગા થયેલ છે. જેથી અમે બનાવ સ્થળે દોડી ગયાં હતા. જ્યાં અમુક શખ્સો ઝગડી કરી રહ્યા હતા. જેથી તુરંત જ તમામને રોકી તેઓના નામ સરનામા પૂછતાં રણજીતભાઈ મંગાભાઈ જોગરાણા ઉ.વ. 36, નાગજીભાઇ મંગાભાઇ જોગરાણા ઉવ 40 રહે બંને રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોક, કિશન રેવાભાઈ બામ્ભવા ઉવ 20, ભરતભાઈ રેવાભાઈ બામ્ભવા ઉ.વ. 24, પંકજભાઈ લક્ષ્મણભાઈ દામા ઉ.વ. 19, જીતુ સોમાભાઈ દામા ઉ.વ. 19, સંજુભાઈ રામસીંગભાઈ પરીહાર ઉ.વ.20 તેમજ સમાપક્ષે ડેનીશ ભાઈ ભરતભાઈ દેશાણી ઉ.વ.30ઝં નિશાંત મનોજભાઇ ઠાકુર ઉ.વ. 19, ચક્ર હરીશભાઈ સાઉદ ઉ.વ. 20, લોકેન્દ્ર હરીશભાઈ સાઉદ ઉ.વ.23, તેજ જગતભાઈ સાઉદ ઉ.વ.19, મનીશ ગોરખભાઈ ઠાકુર ઉ.વ. 45, બીરજુ કેવલભાઈ સાઉદ ઉ.વ.19, અનુપ કુલદીપભાઈ સાઉદ ઉ.વ.19 હાજર મળી આવ્યા હતા. જે પૈકીના રણજીતભાઇ મંગાભાઇ જોગરાણા તથા નાગજીભાઈ મંગાભાઈ જોગરાણા તથા કિશન રેવાભાઈ બાવાને તેમજ લોકેન્દ્ર હરીશભાઇ સાઉદ તથા તેજ જગતભાઈ સાઉદ, અનુપ કુલદીપભાઇ સાઉદનાઓને શરીરે મુંઢમાર ઇજા થયેલ હોય સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે તમામ શખ્સો સામે સુલેહ શાંતિ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પૈસાની લેતી દેતી મામલે માંડા ડુંગર નજીક યુવક પર ચાર શખ્સોનો હુમલો
આજીડેમ પોલીસના નોંધાયેલી હુમલાની ઘટનામાં માંડાડુંગર વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ કાળુભાઈ ડાભી (ઉ.વ. 24)એ નોંધાવેલી ફરિયાદમાં વિપુલ ચૌહાણ, ચબો, સુનિલ અને એક અજાણ્યા શખ્સનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના 11:30 વાગ્યા આસપાસ ગોકુલ પાર્ક માંડાડુંગરના ગેટ પાસે આવેલ રાધા કૃષ્ણ પાનની દુકાને હું ફાકી ખાવા ગયેલ હતો. તેવામાં દુકાનની સામે રોડ પર એક સફેદ કલરની ક્રેટા કાર આવીને ઉભી રહેલ અને તેમાંથી વિપુલ ચૌહાણ, ચબો, સુનિલ તથા એક અજાણ્યો ઈસમ હાથમાં ધોકા – પાઈપ લઈને ઉતરેલ હતા. વિપુલ તથા ચબો મારી પાસે આવીને મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ. જેથી મેં ગાળો આપવાની ના પાડતા વિપુલે તેના હાથમાં રહેલ ધોકો મને પીઠના ભાગે મારી દીધેલ અને ચબાએ મારો કાઠલો પકડી મને ટીકા પાટુનો માર મારવા લાગેલ હતો. દરમિયાન સુનિલ તથા અજાણ્યાં શખ્સે પણ ઢીંકાપાટુનો માર માર્યો હતો. સિવિલ હોસ્પિટલના બિછાનેથી યુવકે વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવનું કારણ એવુ છે કે, અગાઉ એકાદ મહિના પહેલા વિપુલ ચૌહાણ તથા ચબા સાથે મારે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો બાદ આ બાબતે મેં જે તે સમયે રૂપિયા આપીને સમાધાન થઈ ગયેલ હતું તેમ છતાં પૈસાને લેતી દેતી બાબતના ઝઘડાનો ખાર રાખી મને માર માર્યો હતો.
અમારો વીડિયો કેમ ઉતારે છે કહી પ્રૌઢ પર હુમલો કરી સોનાના ચેઇન અને મોબાઈલની લૂંટ
શહેરના મવડી વિસ્તારમાં વિનાયકનગરમાં રહેતા અમે ડ્રાયવિંગનો વ્યવસાય કરતા ગેલાભાઈ સાધાભાઈ ઘોઘરા(ઉ.વ.45)એ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે. ગઈકાલે બપોરના સાડા બાર વાગ્યાં આસપાસ મારા મિત્ર સાગરભાઇ મકવાણા તેની ઓટો રીક્ષા લઈને મારા ઘરે આવેલ અને બાદમાં સાગરભાઈની રિક્ષામાં અમે બંને ગોંડલ ચોકડી તરફ ચક્કર મારવા નીકળેલ હતા. દરમિયાન આંબેડકરનગર તરફ જવાનાં રસ્તે અમે ફાકી ખાવા ઉભા રહેતા ત્યારે એક અજાણ્યો માણસ હાથમા લાકડી લઈને મારી પાસે આવેલ હતો અને મારા હાથમાં રહેલો મોબાઈલ ફોન જૂટવી લીધેલ હતો. કેમ અમારો વિડીયો ઉતારે છે તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતો. જેથી હું રીક્ષામાંથી નીચે ઉતરેલ અને તેને શાંતિથી વાત કરવાનું કહેતા તેણે ત્યાં નાસ્તો કરી રહેલા મિત્ર હિરેન પરમાર અહીં આવ, આ આપણા બધાનો વિડીયો ઉતારે છે તેમ કહેતા તેનો મિત્ર હિરેન પરમાર ત્યાં આવેલ અને મને જેમ ફાવે તેમ કાળો બોલવા લાગેલ હતો. બાદમાં કમરમાંથી પટ્ટો ઉતારી ગળાના ભાગે તરાપ મારી ગળામાં પહેરેલ સોનાનો ચેન ખેંચી લીધો હતો. બાદમાં બે શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો. મારથી બચવા ફરિયાદી 150 ફૂટ રીંગ રોડ તરફ ભાગેલ ત્યારે આ શખ્સો પાછળ દોડી પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો. દરમિયાન ઉમિયા સર્કલ નજીક મિત્રનો ભેટો થઇ જતાં હુમલાખોરો મારો મોબાઇલ ફોન જેની કિંમત 20,000 અને ગળામાં પહેરેલ સોનાનો ચેન આશરે બે તોલાનો જેની કિંમત રૂપિયા 1,50,000 ઝુંટવી ગયાં હતા.
અભદ્ર માંગણી કરી ચાર શખ્સોએ યુવતીના મિત્રને છરી ઝીંકી
ગોકુલધામ આરએમસી ક્વાર્ટરમાં રહેતી રાધીકા મહેંદ્રભાઈ મકવાણા (ઉ.વ.24)એ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચારેક મહીના અગાઉ મારે જંગલેશ્વરમા રહેતા સોહીલ સાથે ઈન્સ્ટાગ્રામથી સંપર્ક થયેલ હતો. અમો બંન્ને અવાર નવાર રૂબરૂ મળીએ છીએ. ગઈકાલે બપોરે બારેક વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતી અને મારે પૈસા ની જરૂર હોય જેથી મે મારા મિત્ર સોહીલને ફોન કરેલ અને તેને મે કહેલ કે તારી પાસે પૈસા હોય તો તું પૈસા લઈને મારા ઘરે આવી આપી જા જેથી મારો મિત્ર સોહીલ સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ મારા ઘરે આવેલ હતો અને મને 10,000 રૂપીયા આપેલ હતા અને ત્યારબાદ અમો અમારા ઘરે બેસેલ હતા. ત્યારે સાંજના સાતેક વાગ્યાની આસપાસ અમારા ઘરે મેટીયો ઝાલા, પરીયો ગઢવી, યાશીન ઉર્ફે ભુરો તેમજ એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને મને બહાર બોલાવેલ હતી. મેટીયાએ મારો હાથ પકડી લીધેલ અને મારી પાસે બીભત્સ માંગણી કરવા લાગેલ હતો. પોતાની સાથે આવવાનું દબાણ કરતા ફરિયાદીએ ના પાડતા ચારેય શખ્સોએ ઝપાઝપી કરી મારૂ ટી-શર્ટ ફાડવા લાગેલ હતા. જેથી મારો મિત્ર સોહીલ વચ્ચે પડતા ચારેયએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. બાદમાં મેટીયા ઝાલાએ તેની પાસે રહેલ છરી સોહીલને મારવા જતા સોહીલ તેના જમણા હાથથી રોકવા જતા તેને જમણા હાથની ટચલી આંગળીના ભાગે ઈજા થયેલ હતી. જે બાદ આ ચારેય શખ્સો નાસી ગયાં હતા.