સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત નિખિલ દોંગાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યાની સોપારી લીધાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. પીઠડીયા ટોલ નાકે કાઠી યુવાનની હત્યાના ગુનામાં ગોંડલ જેલ હવાલે થયેલા નિખિલ દોંગાની ગેંગ સામે 117 જેટલા ગુના નોંધાયા હોવાથી 12 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરાયા હતા. જેમાં ભૂજ જેલ હવાલે થયેલા નિખિલ દોંગા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા માટે હોસ્પિટલમાંથી ભાગ્યાનો ઘટ્ટસ્ફોટ થયો છે.
નિખિલ દોંગા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી પડાવવી અને મિલકત હડપ કરવા ધાક ધમકી દેવાના 14 ગંભીર ગુના
જેતપુર પાસે આવેલા પીઠડીયા ટોલનાકા પાસે કાઠી યુવાનની હત્યાના ગુનામાં ગોંડલ જેલ હવાલે થયેલા નિખિલ દોંગાએ જેલના અધિકારી અને સ્ટાફ સાથે મળી જેલમાં વૈભવી ઠાઠ સાથે સગવડ મેળવી હતી અને જેલમાં જ રહી કેટલાક ઓપરેશન પાર પાડી જેલમાં સામ્રાજય ઉભુ કરી દીધું હતું. જેલમાં રહી ગુનાખોરી આચરતા નિખિલ દોંગાની છેક ગાંધીનગર સુધી ફરિયાદો પહોચતા વિઝિલન્સ દ્વારા ગોંડલ જેલમાં દરોડો પાડી મહેફીલ માણતા નિખિલ દોંગા અને તેના સાગરિતો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગોંડલ જેલના અધિકારીઓ અને સ્ટાફ સાથે મળી વૈભવી સગવડ મેળવતા નિખિલ દોંગા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા ભૂજ જેલ હવાલે કરાયો’તો
જયરાજસિંહની હત્યા કરવા નિખિલ દોંગા ભૂજ જેલમાંથી ભાગ્યો’તો
ગોંડલ જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરાયેલા નિખિલ દોંગા અને તેની ગેંગના 12 શખ્સો સામે 117 જેટલા ગુના નોંધાયા હોવાથી ગુજસીટોક હેઠળ ગુનો નોંધી નિખિલ દોંગાને ભૂજની પાલારા જેલ હવાલે કરાયો હતો. નિખિલ દોંગા પાલારા જેલમાં હતો ત્યારે તેને મળવા આવેલા સાગરિતો સાથે જયરાજસિંહ જાડેજાનું કંઇ કરવું પડશે તેવી ચર્ચા કરી હતી અને તેમની હત્યા માટે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ નિખિલ દોંગાએ પોતાને કેન્સરની બીમારી હોવાના બહાના હેઠળ ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયો હતો ત્યા કેદી પાર્ટીના પોલીસ સ્ટાફ સાથે સાંઠગાંઠ રચી ઉતરાંચલ ભાગી ગયો હતો.
નિખિલ દોંગા ભૂજ જેલમાંથી ભાગી ઉતરાંચલ પહોચતા એટીએસ, રાજકોટ એલસીબી અને ભૂજ પોલીસે તેનું પગેરૂ દબાવી ઉતરાંચલથી ઝડપી લીધા બાદ કરાયેલી પૂછપરછમાં તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવા માટે ભાગી ગયાની ચોકાવનારી કબુલાત આપી હતી.
નિખિલ દોંગા અને તેની સાથે સંડોવાયેલા રાજકોટના ભરત જવેર રામાણી, ગોંડલના લાલજી ડાયા માલવીયા, રાજકોટના પાર્થ ઉર્ફે લાલો બીપીન ધાનાણી અને માધાપરના વિજય વિઠ્ઠલ સાંગાણીએ જામીન પર છુટવા અરજી કરી હતી. ચાર્જશીટ બાદ થયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં ગંભીર ગુનો કરવાની પેરવીમાં હોવાનું તેમજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવા માટે ભૂજની હોસ્પિટલમાંથી નાસી ગયા અંગેનું પોલીસે કોર્ટમાં સોગંદનામું રજુ કર્યુ હતું. તેમજ ચાર્જસીટમાં પણ જયરાજસિંહ જાડેજાની હત્યાના કાવતરા અંગેનો ઉલ્લેખ કરાયો હોવાથી સરકારી વકીલ દ્વારા પણ જામીન નામંજુર કરવા દલીલ કરી જામીન પર છોડવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. જામીન અરજીની ભૂજની અધિક સેશન્સ કોર્ટમાં સુનાવણી થઇ ત્યારે ડીવાય.એસ.પી. જે.એન.પંચાલ અને સરકાર પક્ષે એપીપી કલ્પેશ ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. અદાલતે જામીન અરજીની સુનાવણી બાદ નામંજુર કરતો હુકમ કર્યો છે.