દક્ષિણ અમેરિકાના ઇક્વાડોર દેશમાં દરિયાતટે વસેલા ગ્વાયાકિલની જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા મરનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100 કેદીઓના મોત અને 52 લોકો ઘાયલ થઇ ચૂકયા છે. અધિકારીઓએ આ અંગેની માહિતી આપી. પોલીસ કમાન્ડર ફાબિયાન બસ્તોસે મીડિયાને કહ્યું કે લગભગ પાંચ કલાક બાદ પોલીસ અને સેનાએ અભિયાન ચલાવીને જેલ પર ફરીથી કાબૂ મેળવ્યો.
તેમણે કહ્યું કે કેટલાંય હથિયાર પણ જપ્ત કરાયા છે. અધિકારીઓએ કહ્યું કે જેલના ‘લૉસ લોબોસ’ અને ‘લૉસ ચોનેરોસ’ની વચ્ચે થયેલા વિવાદ બાદ શરૂ થયેલી હિંસા દરમ્યાન બંદૂકો અને ચાકુઓનો ઉપયોગ કરાયો. કેદીઓએ એકબીજાના ગળા કાપી નાખ્યા. ટેલિવિઝન પર પ્રસારિત તસવીરોમાં કેદીઓ જેલની બારીઓમાંથી ગોળીઓ ચાલતી દેખાય રહી હતી અને આ દરમ્યાન ધુમાડા નીકળી રહ્યા હતા અને ગોળી ચાલતા વિસ્ફોટોનો અવાજ પણ થઇ રહ્યો હતો. આ વારદાતે આખા ઇકવાડોરને હચમચાવી નાંખ્યું છે.
ગુઆસ સરકારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પણ કેટલીક તસવીરો શેર કરી, જેમાં જેલના એક હિસ્સામાંથી છ રસોઇયાને નીકળતા દેખાય છે. આની પહેલાં જુલાઇમાં જેલમાં હિંસા દરમ્યાન પણ 100થી વધુ કેદીઓના મોત થયા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ ગિલેર્મો લેસ્સોએ ઇક્વાડોરની જેલ સિસ્ટમમાં ઇમરજન્સી જાહેર કરી હતી. ઇક્વાડોરમાં ગેંગવોર મોટાભાગે થતો રહે છે.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જેલોની અંદર થયેલી હિંસામાં 11 લોકોના મોત થયા હતા અને 7 અન્ય લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. ઇક્વાડોર જ નહીં અન્ય લેટિન અમેરિકન દેશોમાં પણ મોટાભાગે જેલોની અંદર હિંસા થતી રહે છે.