ઉપલેટા તલુકાના ચીખલીયા ગામે શેઢા પાસે દેશી ખાતરનો ઉકરડો હટાવવાના પ્રશ્ર્ને બે જુથ વચ્ચે અથડામણ સર્જાય છે. તીક્ષણ હથીયાર વડે મારામારીમાં બંને પક્ષે પાંચ લોકો ઘાયલ થયા છે. દરબાર પક્ષે ટોળાને વિખેરવા રિવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કર્યું હતુ જયારે સામા પક્ષ દ્વારા રિવોલ્વરની લૂંટ ચલાવી કારમાં તોડફોડ કરવામાં આવી હતી પોલીસે બંને પક્ષે મળી 16 શખ્સો સામે ગુનો નોંધી છ શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત ઉપલેટા નજીક ચીખલીયા ગામે રહેતા કુલદીપસિંહ દશરથસિંહ જાડેજાએ ગામના જ અમીન મુસા નારેજા, કાદર રણમલ નારેજા, હુશેન ઈબ્રાહીમ કાતીયાર, મુસા કાસમ નારેજા, જાહીદ મુસા નારેજા, હબીબ તૈયબ નારેજા, વલીમામદ તૈયબ નારેજા, વસીમ હબીબ નારેજા, તોહીદ લીમામદ નારેજાએ ધારીયું, કુહાડી, તલવાર અને લોખંડના પાઈપથી મારમારતા પ્રવિણસિંહ, રાજદીપસિંહ અને ચેતનસિંહ સહિતના શખ્સો ઘવાયાની અને રિવોલ્વર લૂંટ ચલાવી અને કારમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
સ્વબચાવમાં હવામાં ફાયરીંગ: રિવોલ્વર લૂંટી અને કાચમાં તોડફોડ
બંને પક્ષે મળી 16 શખ્સો સામે નોંધાતો ગુનો: છ શખ્સોની ધરપકડ
જયારે સામે પક્ષે જાહીદ ઉર્ફે રાહીદ મુસા ઉફર્ષ ભીમા નારેજાએ કુલદીપસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા પ્રવિણસિંહ જાડેજા, કેતનસિંહ જાડેજા, ભદ્રપાલસિંહ જાડેજા અને મહિપાલસિંહ જાડેજા છરી અને તલવાર વડે મારમારતા જાહીદ ઉર્ફે રાહીદ, કાદર નારેજા, હુસેન ઈબ્રાહીમ કાતિયાર, મુસાકાસમ નારેજા, હબીબ તૈયબ નારેજા અને વલી મામદ તૈયબ નારેજાને ઈજા પહોચ્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં કુલદીપસિંહ જાડેજાની વાડીના શેઢા પાસે આરોપી જાહીદ ઉર્ફે રાહીદ નામનો શખ્સ છાણનો ઉકરડો કરેલ હોય જે ઉકરડો જાહીદને હટાવવાનું કહેવા છતા ઉકરડો ન હટાવતા કુલદીપસિંહ જાડેજાએ લોડર વડે ઉકરડો હટાવતાજે જાહીદ ઉર્ફે રાહીદ નારેજાને સારૂ ન લાગતા 10 જેટલા શખ્સોએ એક સંપ કરી ખૂની હુમલો કરતા બંને પક્ષે મારામારી પલ્ટી હતી. જેમાં કુલદીપસિંહ દ્વારા સ્વબચાવમાં હવામાં ફાયરીંગ કરતા આરોપી દ્વારા રિવોલ્વરની લૂંટ ચલાવી આ બનાવની જાણ ઉપલેટા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. જાડેજાને થતા સ્ટાફ સાથે દોડી જઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બંને પક્ષે મળી 16 શખ્સો સામે ગુનો નોંધી મુસ્લિમ પક્ષના 4 શખ્સોની અને દરબાર પક્ષના બે શખ્સોની ધરપકડ કરી છે. જયારે ઘવાયેલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.