સાથે રહેવા જેવી સામાન્ય બાબતે સાળાની હત્યાના ગુનામાં કુટુંબી બનેવીની ધરપકડ: માસુમ બાળકીનું દુષ્કર્મના ઇરાદે અપહરણ કરી મોતને ઘાટ ઉતારી: માળીયા હાટીનાના યુવાનની ગડુમાં જીવતો સળગાવી કરી હત્યા
સૌરાષ્ટ્રમાં ગુરૂવાર રકતરંજીત બની રહ્યો હોય તેમ રાજકોટ, મોરબી અને ગડુમાં હત્યાની ઘટના પોલીસમાં નોંધાઇ છે. રાજકોટમાં સાથે રહેવા જેવી સામાન્ય બાબતે સાળા-બનેવી વચ્ચે થયેલી બોલાચાલીના કારણે કુટુંબી બનેવીએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાનું, મોરબીની માસુમ બાળકીનું અજાણ્યા શખ્સોએ દુષ્કર્મના ઇરાદે અપહરણ કર્યા બાદ હત્યા કર્યાનું અને માળીયા હાટીનાના યુવાનને ગડુમાં અજાણ્યા શખ્સોએ જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસમાં નોંધાયું છે.કોરોના કાર્યકાળમાં ધંધા રોજગાર બંધ થતા બેકાર બનેલાઓમાં સામાન્ય બાબતે મારામારી અને હત્યા સુધી ઘટના બનતી હોય છે.
કોરોનાના કારણે ગુનાઓની મોડસઓપરેંટી બદલાવ આવ્યો છે. મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતા ભાવેશ કાળુભાઇ ચનીયારા નામના ૨૨ વર્ષના કોળી યુવાનની તેના કુટુંબી બનેવી મહેશ મનસુખ સદાડીયાએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક ભાવેશ રિક્ષા ચલાવતો હોવાનું અને તે દસ વર્ષનો હતો ત્યારથી જ બહેન-બનેવી સાથે રહેતો હતો પરંતુ તેમના બાળકો મોટા થઇ જતા બનેવી મહેશ સદાડીયાએ પોતાની સાથે રહેવાની ના કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા છરીના ત્રણ ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપી છે.મોરબીના મકનસર ગામે રહેતા મધ્ય પ્રદેશના વતની લલીતભાઇ ખરાડની સાત વર્ષની પુત્રી આયુષીનું બે દિવસ પહેલાં અપહરણ થયા બાદ બાળકની સલતાનપર રોડ પર પ્લાસ્ટીકની બેગમાં પથ્થર નીચે છુપાવેલો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી અપહરણ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે. આયુષી બે દિવસથી ભેદી રીતે લાપતા બનતા પોલીસ અને બાળકીના પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન સલતાનપર નજીકથી પ્લાસ્ટીકમાં વીટળાયેલો મૃતદેહ મળી આવતા બાળક પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવ્યાની શંકા સાથે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં મોકલ્યો છે. મૃતક ત્રણ બહેન છે અને માતા-પિતા કારખાનામાં કામ કરે છે.
માળીયા હાટીના વીસણવેલ ગામે રહેતા અતુલ ડાયાભાઇ ચૌહાણ નામના ૨૮ વર્ષના યુવાનને ગત તા.૧૯મીએ ચોરવાડ નજીક ગડુ ગામે રાજેશ તેના બે પુત્ર અને તેની પત્નીએ જવલંતશીલ પદાર્થ છાંટી દિવાસળી ચાંપી જીવતો સળગાવી દેતા ગંભીર રીતે દાઝેલા અતુલ ચૌહાણને જૂનાગઢ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કરતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. અતુલ ચૌહાણને શા માટે જીવતો સળગાવી હત્યા કરવામાં આવી તે અંગે ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથધરી છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને ખેતી કામ કરતો હોવાનું જાણવા મળે છે.