મનોવિજ્ઞાન ભવન દ્વારા જુદા-જુદા બ્લડ ગ્રુપ ધરાવતા 1300 લોકો પાસેથી માહિતી લેવામાં આવી જેમાં અનેક તારણો સામે આવ્યા
આપણે બધા જાણીએ છીએ કે માનવ શરીરમાં ચાર પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે. આ બ્લડ ગ્રુપમાં A, B, AB અને O આ ચાર પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે. તેમાંથી, નિષેધક અને વિધાયક બ્લડગ્રુપ વિભાજિત કરવામાં આવે છે. જેમ કે A+, A- , B+ , B- , AB+, AB-, O+ અને O-. આ બ્લડ ગ્રુપની આપણા વર્તન અને વ્યક્તિત્વ પર અલગ-અલગ અસર પડે છે. વિવિધ બ્લડગ્રુપ ધરાવનાર વ્યક્તિના વ્યક્તિત્વના લક્ષણો કેવા છે અને પુરુષ અને સ્ત્રીઓ માં પણ વ્યક્તિત્વમાં શુ તફાવત પડે છે તે અંગેનો એક અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા આર.દોશી દ્વારા કરવામાં આવ્યો.જેમાં ચાર બ્લડ ગ્રુપના લોકોના સ્વભાવ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણવા મળી. જુદાજુદા બ્લડગ્રુપ ધરાવતા 1300 લોકો પાસેથી માહિતી લેવામાં આવી.
બ્લડ ગ્રુપ B અને Oનું વ્યક્તિત્વ બધા કરતા અલગ
તમામ બ્લડ ગ્રુપમાં ’બી’ પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોનું મગજ તીક્ષ્ણ હોય છે. બી પોઝીટીવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં અન્ય કરતા વધુ સારી વિચાર શક્તિ હોય છે. મદદ કરવાની વૃત્તિ અને બલિદાનની ભાવના હોય છે. કેલિફોર્નિયાના એક સંશોધન મુજબ, બી પોઝીટીવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોના મગજમાં સેરેબ્રમ વધુ સક્રિય હોય છે, જેના કારણે બી પોઝીટીવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોની યાદશક્તિ તેજ અને સારી હોય છે તેમજ તેમનું મગજ પણ સક્રિય રહે છે.O પોઝીટીવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોનું મગજ પણ ખૂબ જ તેજ હોય છે. આ બ્લડ ગ્રુપના લોકોનું બ્લડ સર્ક્યુલેશન અન્ય બ્લડ ગ્રુપના લોકો કરતા વધુ હોય છે, જેના કારણે મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધુ સારો રહે છે, જેના કારણે તેમની યાદશક્તિ સારી રહે છે અને સેરેબ્રમ વધુ એક્ટિવ રહે છે.
અભ્યાસમાં જોવા મળેલા તારણ
- સ્ત્રી કરતા પુરુષોમાં બહિર્મુખતા વધુ જોવા મળી
- ઓ પોઝીટીવ અને એ નેગેટિવ લોકોમાં બહિર્મુખતા વધારે જોવા મળી
- પુરુષો કરતા સ્ત્રીઓમાં સહમતીપણું વધારે જોવા મળ્યું
- બી બ્લડગ્રૂપના લોકોમાં સહમતીપણું વધારે જોવા મળે છે
- પુરુષો કરતા સ્ત્રીઓમાં પ્રમાણિકતા વધુ જોવા મળે છે
- ઓ પોઝીટીવ અને એ નેગેટિવ બ્લડગ્રુપના લોકોમાં પ્રમાણિકતા વધુ જોવા મળી
- પુરુષોમાં સ્ત્રીઓના પ્રમાણમાં મંદ મનોવિકૃતિ વધુ જોવા મળી
- એબી પોઝીટીવ બ્લડગ્રુપના લોકોમાં માં મંદ મનોવિકૃતિ વધુ જોવા મળી
- પુરુષો કરતા સ્ત્રીઓમાં અનુભવ માટેનું ખુલ્લાપણું વધુ જોવા મળે છે
- એ નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં અનુભવ માટેનું ખુલ્લાંપણું વધુ જોવા મળ્યું
- સ્ત્રીઓ કરતા પુરુષોમાં આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે
- એબી પોઝીટીવ બ્લડગ્રુપ ધરાવતા લોકોમાં આક્રમકતા વધુ જોવા મળે છે
- પુરુષો કરતા સ્ત્રીઓમાં સ્વ સભાનતા વધુ જોવા મળે છે
- એબી નેગેટિવ લોકોમાં સ્વ સભાનતા વધુ જોવા મળી છે
વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનો સાથે અભ્યાસ કરવો જરૂરી
બ્લડગ્રુપ આધારે ઘણી વખત બીમારીઓ પણ જોડાયેલ હોય છે. હૃદયરોગ, મગજના સ્ટ્રોક, બીપી વગેરે પર બ્લડગ્રુપના ઘણા રિસર્ચ વૈજ્ઞાનિક રીતે થયેલ હોય છે. જો તેમાં મનોવિજ્ઞાનિક દ્રષ્ટિકોણ નો સમાવેશ કરવામાં આવે તો સમાજને ઉપયોગી થઈ શકે. જેમ કે જો કોઈ વિજ્ઞાનના રિસર્ચમાં એવું જોવા મળે છે કે કોઈ એક બ્લડગ્રુપના લોકોમાં હૃદયરોગ કે સ્ટ્રોકની સમસ્યાઓ વધુ થઈ શકે તો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી પણ તેના વ્યક્તિત્વની તપાસ કરીને તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવીને આ ખતરાને દૂર કરી શકાય.