ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, દલસુખ જાગાણી સહિતનાં આગેવાનોની ઉપસ્થિતિ: ધારાસભ્ય રૈયાણીનાં પ્રયાસોથી જરૂરતમંદો માટે ધમધમતું રાહત રસોડુ: કેમ્પમાં ૧૫૦થી વધુ બોટલ રકત એકત્ર
કોરોનાની મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન છે ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં બ્લડની ખુબ જ અછત હોય ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ૪૫૦ થેલેસેમીયાગ્રસ્ત બાળકો તેમજ કેન્સર, કીડનીના તથા જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તે હેતુથી બાલક હનુમાન મંદિર અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપનાં સંયુકત ઉપક્રમે વિવાહ પાર્ટી પ્લોટ, ડી માર્ટ વાળો ૫૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦થી વધુ બ્લડ બોટલો એકત્રિત કરવામાં આવી હતી.
આ તકે રાજકોટ વિસ્તારનાં ૬૮નાં ધારાસભય અરવિંદ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે માટેની સુચારું વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથો સાથ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી પોતાના વોર્ડમાં દરરોજ ગરીબ તથા જરૂરીયાતમંદ લોકો માટે રસોઈ બનાવી તેમને ભોજન પુરુ પાડી રહ્યા છે. જેમાં અંદાજે દરરોજનાં ૧૦ હજાર જેટલા લોકોે બે ટાઈમ ભોજન આપવામાં આવે છે.
ભારતીય જનતા પાર્ટી હરહંમેશ લોકોની સાથે: કમલેશ મિરાણી
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીને લઈ દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે શહેરમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે રાજકોટ વિસ્તારનાં ૬૮નાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા દરરોજ બે ટાઈમ દસ હજાર જેટલા લોકોને ભોજન બનાવી પહોંચાડવામાં આવે છે. સાથો સાથ ભારતીય જનતા પાર્ટી હરહંમેશ લોકોની સાથે જ રહે છે. આ સમયમાં લોકોના ઘરે ના જઈ શકતા હોય પરંતુ તેમની મદદ જરૂર કરીએ છીએ. અરવિંદભાઈ રૈયાણી અને તેમની પુરી ટીમને અભિનંદન પાઠવું છું. સાથો સાથ થેલેસેમીયાનાં દર્દીઓને બ્લડની જરૂરત રહેતી હોય તેથી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે.
અમે આજે ૧૦,૦૦૦ જરૂરતમંદોને ભોજન પુરુ પાડીએ છીએ: અરવિંદ રૈયાણી
ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હાલમાં સિવિલ હોસ્પિટલમાં બ્લડની જરૂરત હોય ત્યારે અમે વોર્ડ નં.૪નાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આ કાર્યમાં પેડક રોડ પર આવેલ બાલક હનુમાન મંદિર ગ્રુપના મિત્રો પણ જોડાયા છે. આજે ૧૫૦થી વધુ બોટલ રકત એકત્રિત કરવાના છીએ. અમે આ રકત સિવિલ હોસ્પિટલને આપીશું. આ કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની વ્યવસ્થા જાળવી આયોજન કયુર્ં છે. આ કાર્યમાં વોર્ડના મંત્રી, પ્રભારી સહિતનું પૂર્ણ યોગદાન છે. અમે તેમને સમય આપી ફોન કર્યા બાદ તેમને ડોનેટ કરવા બોલાવીએ જેથી વધુ લોકો ભેગા ન થાય. અમારા વિસ્તારમાં ખુબ ગરીબ-મધ્યમ વર્ગના લોકો રહેતા હોવાથી છેલ્લા ૧ મહિનાથી રસોડુ ચલાવીએ હજારથી શરૂ કરી આજે દસ હજાર લોકોને જમવાનું પુરુ પાડીએ છીએ. ત્રણ જેટલા રસોડા ચાલી રહ્યા છે. લોકોને બે ટાઈમનું ભોજન મળે તે માટે ભોજન પહોંચાડવામાં આવે છે.
અમે છેલ્લા એક મહિનાથી ગરીબો માટે કાર્યરત: પરેશભાઈ પીપળીયા
વોર્ડ નં.૪નાં કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્ર્વિક મહામારીને કારણે વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન કરવામાં આવે છે ત્યારે છેલ્લા એક મહિનાથી અમે ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે ભોજન બનાવીને પહોંચાડીએ. દરરોજના અંદાજે દસ હજાર લોકોને ભોજન વિતરણ કરવામાં આવે છે. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦થી વધુ બોટલ રકત એકત્રિત કરાયું છે જે સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે.