એકત્રિત થયેલું બ્લડ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને ડોનેટ કરાશે: બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કર્યું બ્લડ ડોનેટ
આગામી ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. તેના અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ફિઝીકસ ડીપાર્ટમેન્ટમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દીપ પ્રાગટય રાજકોટ મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ફિઝીકસ ડીપાર્ટમેન્ટના હેડ ડો.હિરેન જોશી તેમજ પ્રો.નિકેશ શાહ, મેડિકલ ડીપાર્ટમેન્ટના હેડ ગૌરીબેન, ડો.ગીરીશ ભીમાણી, ડો.કુબેરકર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનના હેડ, ડીન અને સિન્ડીકેટ સભ્યો હાજર રહ્યા હતા. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી બ્લડ ડોનેટ કર્યું હતું.આ પ્રસંગે કાર્યક્રમનું દીપ પ્રાગટય કર્યા બાદ ફિઝીકસ ડીપાર્ટમેન્ટના હેડએ ધનસુખભાઈ ભંડેરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું અને આભાર માન્યો હતો. ત્યારબાદ ધનસુખભાઈ ભંડેરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને આભારવિધિ વ્યકત કરી હતી.આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફિઝીકસ અને બીજા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ૧૪મી સપ્ટેમ્બરે યુનિવર્સિટી કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેના અનુસંધાને આ વખતે દેશના વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હોય અને સશકત ભારતના નિર્માણની વાત કરી છે. તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. લગભગ યુનિવર્સિટીના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ તમામ બ્લડની એકત્રિત થયેલ બોટલ સિવિલ હોસ્પિટલના થેલેસેમીયાગ્રસ્ત બાળકોને ડોનેટ કરવામાં આવશે.આ કેમ્પ વડાપ્રધાનના જન્મદિવસને સમર્પિત કરવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લીડ લીધી છે. મુળ વિચાર એજ છે કે માસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓનું બ્લડ સિવિલ હોસ્પિટલમાં જાય તેના માટે મેડિકલ કોલેજના હેડ ગૌરીબેને પણ હાજરી આપી પુરતો સહયોગ આપ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફકત પાઠયપુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ અવાર-નવાર આવા અવેરનેસ કાર્યક્રમ કરતું હોય છે. હાલ સમગ્ર રાજયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકમાત્ર ‘એ’ ગ્રેડની યુનિવર્સિટી છે અને ભવિષ્યમાં ૨૦૧૯ સુધીમાં એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરે તેવા પુરતા પ્રયાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફેકલ્ટી તેમજ અન્ય સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આજના આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કયુર્ં છે. જેથીવિદ્યાર્થીઓનો આભાર વ્યકત કરું છું.