સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા રકતદાન એજ મહાદાનના સુત્રને સાર્થક કરતું ઉમદા કાર્ય
બ્લડ એ દરેક ગંભીર બિમારીના દર્દી માટે તાતી જરૂરીયાત છે. અકસ્માત થયો હોય કે થેલેસેમિયા જેવી બિમારીથી પીડાતા બાળકો હોય જો સત્વરે તેઓને બ્લડ ન તેમનો જીવનદીપ બુઝાઈ જાય છે. આવા દર્દીઓ માટે સોની યુવા સોશિયલ ટ્રસ્ટ દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં સોની સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રકતદાન કર્યું. આ કેમ્પમાં એકત્ર થયેલા તમામ રકતને થેલેસેમીયાના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં જમા કરાવવામાં આવ્યું હતું.
આ ઉમદા કાર્ય અંગે અબતક સાથે વાતચીત કરતા સોની યુવા સોશિયલ ટ્રસ્ટના મંત્રી વિનુભાઈ વઢવાણાએ જણાવ્યું કે, થેલેસેમિયા પીડીત બાળકો માટે ખાસ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમીયા પીડીત બાળકોને વારંવાર રકત બદલવાની જરૂરીયાત હોય છે અને તેમના જીવનના દીપ થોડુ વધુ તેલ મળે તે માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. સવારે ૯ વાગ્યાથી શરૂ થયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૫૦ થી ૬૦ બોટલ રકત એકત્રિત થાય તેવી અમારી આશા છે અને આગળ પણ અમે સામાજિક પ્રવૃતિના આવા ઉમદા કાર્યો કરતા રહેશું.