સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેકસ ગગડતા રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર: નીફટીમાં 386 પોઈન્ટનો ઘટાડો
કોરોના વાયરસને કારણે શેર બજારમાં ઉથલપાથલ; આગામી સમયમાં 40 હજારની નીચે સપાટી સરકી જાય તેવી દહેશત
કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસના પગલે શેરબજાર ઉપર પણ માઠી અસર જોવા મળી રહી છે. ગત અઠવાડિયે સેન્સેક્સમાં મસમોટા ગાબડાનો અનુભવ થયા બાદ આજે પણ સેક્સ 1300 પોઇન્ટ જેટલું તૂટી ગયું હતું. આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ પડવા લાગતાં રોકાણકારોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.
આ લખાય છે ત્યારે, સેન્સેક્સ 1014 પોઇન્ટના ઘટાડા સાથે 47817ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નિફટીમાં પણ 300 પોઇન્ટનું ગાબડું જોવા મળે છે. બેંક નિફટી 1250 પોઇન્ટ તૂટી ગઈ છે.
બેન્કિંગ સેક્ટરના સ્ટોક ઉપર સૌથી મોટી અસર થઈ છે. આજે વિપ્રો, નેસ્લે અને એચસીએલ જેવા ટોચના શહેરમાં મસમોટા ગાબડા પડી ગયા હતા. કોટક મહિન્દ્રા, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ સહિતની બેંકમાં પણ ભારે ધોવાણ જોવા મળ્યું.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની બીજી લહેર વધુ તીવ્ર હોવા મળી રહી છે. આવી સ્થિતિમાં દેશમાં આર્થિક રાજધાની મુંબઇ સહિતના અનેક મહત્વના વિસ્તારોમાં લોકડાઉન
લાદવામાં આવે તેવી દહેશતના પગલે બજારમાં વેચવાલીનો માહોલ ઉભો થયો હતો. બજાર હવે 40 હજારની સપાટી તરફ જઇ રહ્યું છે. અબતક દ્વારા અગાઉ પણ સેન્સેક્સ 40 હજારની સપાટીએ પહોંચી જશે તેવા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. દરમિયાન ફરીથી બજારમાં આવેલ મંદીએ રોકાણકારોના કરોડો રૂપિયા ડુબાડ્યા હોવાનું ફલિત થઇ રહ્યું છે.