ગુજરાતની ૨૫ બ્લડ બેંકો ગુણવત્તા અને કાર્યક્ષમતાના કારણે સાણસામાં
દેશમાં જન આરોગ્યની જાળવણી સરકાર માટે સૌથી અગત્યનું કામ ગણાય છે ત્યારે આરોગ્ય ક્ષેત્રની સવલત અને જીવનરક્ષક વ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતી બ્લડ બેંકોની ગુણવત્તા અને કાર્યક્ષમતા જેટલી સારી રીતે જળવાઈ તેટલી જ આરોગ્ય સુવિધા સુદ્રઢ બને તે સ્વાભાવીક છે ત્યારે ગુજરાતની ૨૫ બ્લડ બેંકો ગુણવત્તા અને કાર્યક્ષમતાના કારણે સાણસામાં લેવાઈ છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની દેખરેખ હેઠળ ચાલતી રાજયની બ્લડ બેંકો પરિક્ષણના માપદંડમાં મંજૂરી અને ટેકનીકલ સુવિધાઓ જાળવવામાં નાપાસ થઈ છે. ત્યારે ઓકટોમ્બર ૨૦૧૬ સુધીમાં રાજયની ૨૫ બ્લડ બેંકોને તાળા મારી દેવાની નોબત પણ આવી છે.
એફડીસીએના કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે, લોલંમલોલ ચાલતી એવી ૨૫ બ્લડ બેંકો પર કાર્યવાહી કરવામાં આવશે અને જાહેર અને ખાનગી ક્ષેત્રની બ્લડ બેંકોના લાયસન્સ પણ રદ્દ કરવામાં આવશે. ગુજરાત એફડીસીએ અને કેન્દ્રીય ઔષધ નિયમન પંચ અને સ્ટેટ કાઉન્સીલ ઓફ બ્લડ ટ્રાન્સફયુઝન દ્વારા ૨૦૧૮માં ૪૧, ૨૦૧૭માં ૮૫ સહિત ૨૦૧૮માં ૫૧ એમ કુલ મળી ૧૭૮ જગ્યાએ કરેલી તપાસમાં ૨૫ બ્લડ બેંકો લોલંમલોલ ચાલતી હોવાના ઘટનાના પગલે ૨૫ બ્લડ બેંકોને આકરી કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા હતા અને તેઓને બ્લેકલીસ્ટેડ પણ કરવામાં આવી હતી.
નબળી બ્લડબેંકોના કારણે લોહીનું એકત્રીકરણ, વિતરણ, નોંધણી અને ગુણવત્તાની જાળવણીના નિયમને જાળવતા ન હોવાથી આરોગ્ય પર જોખમ ઉભુ થયું છે ત્યારે બ્લડ બેંકના સંચાલકે માહિતી આપતા જણાવ્યું હતું કે, દરેક લોકો બ્લડ બેંકો પર સવાલો ઉઠાવે છે પરંતુ સમાજ માટે જરૂરી આ સંસ્થાઓના સંચાલન માટે કોઈ નાણાકીય મદદ કરતું નથી. સરકારની નીતિ મુજબ બ્લડ બેંકને આવક પણ થતી નથી. એનએટી ટેસ્ટ અને સ્ટોરેજ સ્ટાફ સહિત યુનિટ દીઠ ૧૪૫૦નો ખર્ચ આવે છે.
જયારે સરકાર તરફથી ૧૦૫૦ ‚પિયા જ ચૂકવવામાં આવે છે. રાજયની ૨૫ બ્લડ બેંકોની વાત કરવામાં આવે તો તેમાં વડોદરા, સુરેન્દ્રનગરની ૧, અમદાવાદની ૩, રાજકોટ અને પોરબંદરની ૨, દાહોદ, આણંદ, બોટાદ, વલસાડ, પાટણ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, જામનગર અને નવસારીની ૧-૧ બ્લડ બેંકોને સકંજામાં લેવામાં આવી છે.