બારકોડ સ્કેન કરતા જ સામે આવે છે મતદારની વિગતો: મતદાર સ્લીપની પાછળ મતદાન મથકનો ગૂગલ મેપ પણ અપાયો
રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં વિવિધ કામગીરીઓ વેગવાન બની છે. રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા વિસ્તારોમાં બારકોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા 23,07,237 મતદાર માહિતી સ્લીપ છાપવામાં આવી છે.
આ સ્લીપ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં પહોંચાડી દેવામાં આવી છે. હાલમાં બૂથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને નાગરિકોને સ્લીપ આપવામાં આવી રહી છે. જિલ્લાના તમામ મતક્ષેત્રોમાં આ વિતરણ 25મી નવેમ્બર સુધી ચાલશે.
મહત્વનું છે કે, મતદાર માહિતી સ્લીપમાં આ વખતે ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. આ બારકોડ સ્કેન કરતા જ મતદારની વિગતો સામે આવે છે. ઉપરાંત આ સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, ભાગ નંબર તથા ભાગનું સરનામું, મતદારનો ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઇ.ઓ.ની વેબસાઇટ, સી.ઇ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1950 – વિગત દર્શાવવામાં આવી છે. મતદાર સ્લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં વિતરિત થતી આ સ્લીપમાં મતદાનની તારીખ 1-12-2022 તેમજ મતદાનનો સમય સવારે 8 થી સાંજે 5 પણ દર્શાવવામાં આવ્યો છે.
મતદાન માટે ઓળખના પુરાવા
મહત્વનું છે કે, નાગરિકો મતદાન કરવા જતી વખતે આ સ્લીપની સાથે મતદાર ઓળખપત્ર અથવા તો ચૂંટણીપંચે માન્ય કરેલા 12 પુરાવાઓ પૈકીનો કોઈપણ એક માન્ય પુરાવો સાથે રાખીને મતદાન કરી શકશે. જેમાં 1. આધારકાર્ડ, 2.મનરેગા જોબકાર્ડ, 3.બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, 4.શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્ટરન્સ સ્માર્ટ કાર્ડ, 5. ડ્રાઇવિંગ લાયસન્સ, 6.પાનકાર્ડ, 7. એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, 8. ભારતીય પાસપોર્ટ, 9. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ 10. કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ જાહેર સાહસો/ પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, 11. સંસદસભ્ય/ ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, 12. યુનિક ડિસેબિલિટી આઈ.ડી.કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર.