રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ચાલુ સાલ શિયાળાની સીઝનમાં ઝાકળવર્ષા થવાના કારણે વાતાવરણ અલહાદક બની ગયું છે. વહેલી સવારે રાજકોટમાં ઝાકળવર્ષાના કારણે હવાઈ સેવા ખોરવાઈ જવા પામી હતી અને વીઝીબીલીટીમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો હતો. રાજમાર્ગો રિતસર ભીના થઈ ગયા હતા તો હાઈવે પર વાહન ચાલકોએ ઝાકરના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આવતીકાલે પણ ઝાકળવર્ષાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. ઝાકળવર્ષાના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૩ ટકા અને પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૩.૮ ડિગ્રી રહેવા પામ્યું હતું. આજે રાજકોટ સહિત સમગ્ર રાજયમાં શિયાળાની સીઝનમાં પ્રથમવાર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ઝાકળવર્ષાના કારણે હવાઈ સેવા પર અસર પડી હતી. વહેલી સવારે ૬ કલાકે રાજકોટ આવતી જેટ એરલાઈન્સની ફલાઈટનું સમયસર લેન્ડીંગ થયું હતું. આ ફલાઈટ ૬:૪૦ કલાકે રાજકોટથી મુંબઈ જવા માટે રવાના થાય છે પરંતુ વહેલી સવારે ઝાકળવર્ષાના કારણે વીઝીબીલીટીમાં ઘટાડો નોંધાતા લેન્ડીંગ શકય બન્યું ન હતું અને સવારે ૬:૪૦ કલાકે ટેકઓફ થતી જેટની ફલાઈટ રાજકોટ-મુંબઈ જવા માટે સવારે ૯:૦૦ વાગ્યે ઉપડી હતી. મુંબઈની ફલાઈટ અઢી કલાક મોડી ઉપડતા મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો હતો.
ઝાકળવર્ષાના કારણે વીઝીબીલીટીમાં ઘટાડો નોંધાતા હાઈ-વે પર વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. દિવસે પણ વાહનોની હેડ લાઈટ ચાલુ રાખી ડ્રાઈવીંગ કરવાની ફરજ પડી હતી. ઝાકરના કારણે જાણે શહેરમાં માવઠુ પડયું હોય તેવી રીતે રાજમાર્ગો ભીના થઈ ગયા હતા. ઠંડીનો ચમકારામાં પણ વધારો જોવા મળ્યો હતો. આવતીકાલે પણ શહેરમાં ઝાકળવર્ષા થવાની સંભાવના જણાઈ રહી છે. કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૦.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. અહીં પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકાએ પહોંચી ગયું હતું અને ઝાકળવર્ષા થઈ હોવાનું નોંધાયું છે. રાજયમાં ચાલુ સાલ શિયાળાની સીઝનમાં પ્રથમવાર ઝાકળવર્ષા થવાના કારણે વાતાવરણ ભારે અલહાદક બની ગયું હતું. આગામી બે થી ત્રણ દિવસ રાજયમાં હજી ઠંડીનું જોર વધશે અને ઝાકળવર્ષા થવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.