રાજેશ પરમાર નામના કાર્યકરની જિલ્લા કલેકટરને ઉગ્ર રજૂઆત

જસદણના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર-ઠેર ભુમાફિયાઓ અને કહેવાતા બિલ્ડરો બાંધકામોની આડેધડ પરમિશન આપતા હોવાનું દલિત કાર્યકર રાજેશ પરમારને લેખિત રાવ રાજકોટ જિલ્લા કલેકટરને કરી છે. એમણે જણાવ્યું કે, તલાટીઓ તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફીસરના પાપે જસદણ શહેરમાં કોંક્રિટરાજ ફૂટી નીકળ્યુ છે. લોકોને વાહન તો ઠીક પગે ચાલીને જવું પણ દુષ્કર બની ગયું છે.

વિશેષમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ૧૩ વર્ષોમાં જસદણનો વ્યાપ અને વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. આના કારણે જમીનનાં ભાવ પણ ઉંચા જતાં ભુમાફિયાઓ અને કહેવાતા બિલ્ડરોએ ચોમેર વિસ્તારમાં મકાનો, દુકાનો ફલેટો અને શોપીંગ સેન્ટરો ઉભા કરી કરોડો રૂપિયા બનાવી લીધા છે.

તંત્રના નિયમ મુજબ કોઈપણ બાંધકામની મંજૂરી લેવી જોઈએ અને નિયમ મુજબ જગ્યા છોડવી જોઈએ અને પાર્કિંગ હોવું જરૂરી છે. પણ એકપણ કહેવાતાં બિલ્ડરોએ નિયમ મુજબ કામ કર્યું નથી અને કચેરીઓમાં એકપણ ધક્કો ખાધા વગર તેમના પ્લાનો પાસ થઈ ગયા છે અને શહેરમાં બેરોકટોક હજુ બાંધકામો થઈ રહ્યાં છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર નગરપાલિકા અને તાલુકા પંચાયતને ગેરકાયદે બાંધકામો કરનારાઓ પર સખત કાર્યવાહી કરે અને હાલમાં બાંધકામો થઈ રહ્યાં છે તેને અટકાવે એવી માંગણી રાજેશ પરમારએ તંત્ર સમક્ષ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.