કેન્સરનું કારણ ગુટખાનો વેપાર કોની રહેમ નજર તળે ધમધમે છે!
ગુજરાત રાજયમાં અનેકવિધ જગ્યાઓ પર ગેરરીતિ અને ગેરપ્રવૃતિઓ ધીમે-ધીમે સામે આવી રહી છે ત્યારે ગુટખાનાં ઓઠા હેઠળ અનેકગણો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે મુદ્દો સામે એ આવ્યો છે કે, ગુટખાનાં વેપારીઓ કોની રહેમ નજર હેઠળ તેમનો કારોબાર ધમધમાવી રહ્યા છે. શું તંત્રને રતાંધણાપણું આવ્યું છે કે કેમ ? તે પણ એક સૌથી મોટો પ્રશ્ર્નાર્થ ઉદભવિત થયો છે.
ગુટખાનો વ્યાપાર ગુજરાત રાજયમાં ધીરે-ધીરે વધી રહ્યો છે ત્યારે સરકારી તંત્ર જેમાં જીએસટી વિભાગ દ્વારા પણ લાલ આંખ કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સેન્ટ્રલ જીએસટી અને ડીજીજીઆઈ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવારનાં રોજ ગુટખાનું મેન્યુફેકચરીંગ કરતા ગુલાબચંદ ગુપ્તા અને તુફેઈલ ખાનની ધરપકડ કરી છે. ઈન્ટેલીજન્સ ઈનપુટનાં રીપોર્ટ અનુસાર સેન્ટ્રલ જીએસટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીજીજીઆઈ અને સેન્ટ્રલ જીએસટીનાં અધિકારીઓએ કડી તાલુકાનાં ઈરાના ગામ ખાતે રેડ કરી હતી જેમાંથી આ બંને ગુનેગારોને આટોપી લીધા હતા.
સુત્રોનાં જણાવ્યા અનુસાર પાન-મસાલામાં જયાં તમાકુનું ક્ધટેન વધુ જોવા મળતું હોય તે ચીજ-વસ્તુઓનાં નિર્માણ માટે જે તમાકુની બનાવટ કરવામાં આવી રહી છે તેની કોઈ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં આવતી ન હોવાથી અને ગેરરીતિ આચરી હોવાનું સામે આવતા તંત્ર પણ એલર્ટ થયું છે પરંતુ મુખ્ય મુદ્દો તો સામે એ આવે છે કે, માત્ર અમદાવાદ કે આજુબાજુનાં વિસ્તારો નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ કાળો વ્યાપાર ચાલી રહ્યો છે. કયાંક તંત્રને આ અંગેની જાણકારી હોવા છતાં પણ તેઓ જાણે આંખ આડા કાન કરતા હોય તેવું સામે આવી રહ્યું છે.
સેન્ટ્રલ જીએસટી દ્વારા જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે તો જાણે સમુદ્રની નાની માછલી હોય તેવો ઘાટ સર્જાયો છે. ખરાઅર્થમાં સમુદ્રી મગર જેવા આરોપી જે ગુટખાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે તેનાં પર પ્રશ્ર્નાર્થ મુકવામાં આવ્યો છે ત્યારે તંત્ર આ કાળા કારોબારને કેવી રીતે નાથશે તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ તે વાત સાચી છે કે, તંત્ર રતાંધણાપણુંનો ભોગ બન્યું હોય. સેન્ટ્રલ જીએસટી દ્વારા જે રેડ કરવામાં આવી તેમાં ૮ કરોડ રૂપિયાની ચીજ-વસ્તુઓને એકઠી કરી બાનમાં લેવામાં આવી છે. જીએસટીનાં સંપર્ક સુત્રોનાં જણાવ્યા અનુસાર જે ચીજ-વસ્તુઓનો ઉપયોગ ગુટખા બનાવવા માટે કરવામાં આવ્યો હતો તેનું એક પણ બીલ આરોપી પાસે ન મળતાં તેઓની ધરપકડ કરવામાં આવી છે.
ડીજીજીઆઈ દ્વારા રેકેટનો પર્દાફાશ કરતા તેઓને મોડેસ ઓપરેન્ડી વિશે પણ માહિતી મળી છે કે કેવી રીતે ગુટખા ગેરરીતે બનાવવામાં આવે છે અને દુબઈથી કેવી રીતે તેને કલીયર કરાવવામાં આવે છે. માલ બની ગયા બાદ જીએસટીની ભરપાઈ કર્યા વગર તેનું વેચાણ ભીવંડી અને મુંબઈ જેવા શહેરોમાં જોવા મળી રહ્યું છે ત્યારે સેન્ટ્રલ જીએસટી અને ડીજીજીઆઈ દ્વારા પકડવામાં આવેલા બંને આરોપીઓને ૧૪ દિવસનાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ ૧૪ દિવસમાં અનેક ઘટસ્ફોટ થશે અને અનેક માહિતીઓ સામે આવશે.
હાલ જીએસટી વિભાગ આ મુદ્દે પૂર્ણત: સતર્ક થઈ ગઈ છે અને તેનાં નેટવર્ક થકી કાળા કારોબારનો વેપલો જે રીતે અને કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનાં ઉપર તવાઈ બોલાવવામાં આવશે પરંતુ તે પહેલા ગુટખાનાં કાળા કારોબાર જે લોકો ચલાવી રહ્યા છે તે કોના ઓઠા હેઠળ ચલાવે છે તે જાણવું ખુબ જ જરૂરી બન્યું છે. ગુજરાતનું યુવાધન દિન-પ્રતિદિન ગુટખાનાં સેવન કરતાની સાથે જ તે બંધાણી બની જતા હોય છે અને તેમનાં જીવનને નિરથક બનાવી વ્યતિત કરી દેતા હોય છે ત્યારે રાજય સરકાર અને કેન્દ્ર સરકારનાં એકમોની જવાબદારી છે કે આ કારોબાર પર પૂર્ણવિરામ મુકવામાં આવે.