ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ૪૭ હજાર અને શહેરી વિસ્તારમાં ૬૮ હજારથી ઓછી વાર્ષિક આવક ધરાવતી વિધવા નિરાધાર મહિલાઓને મળી શકે છે સહાય
રાજકોટ રાજય સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજના વિધવાને નિરાધાર મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થવા સાથે આર્થિક રીતે સહાયરૂપ બની છે. આ યોજનાના કારણે અનેક વિધવા મહિલાઓને આર્થિક મદદ મળી રહે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ યોજના દ્વારા વિધવા મહિલાઓને આત્મ નિર્ભર બનવામાં મદદ કરી હોવાનું જણાવી વિધવા અને અસહાય મહિલાઓને રાજય સરકારની આ યોજનાનો લાભ લેવા રાજકોટ જિલ્લા ભાજપ વેપાર ઉધોગ સેલના કન્વીનર દિપક મદલાણીએ અપીલ કરી છે.
રાજકોટ જિલ્લા ભાજપ વેપાર ઉધોગ સેલના કન્વીનર દિપક મદલાણીએ આ યોજના અંગે આપેલી વિગતો મુજબ જો ૨૧ વર્ષથી ઉપરની ઉંમરનો પુત્ર ન હોય તો નિરાધાર વિધવાઓને દર માસે રૂ.૭૫૦/- અને બાળદીઠ રૂ.૧૦૦ પ્રમાણે સહાય (૨ બાળકોની મર્યાદામાં) ચુકવવાનું રાજય સરકારે નકકી કર્યું હતું. તેમાં હવે રાજય સરકારે સુધારો કરી હવેથી તા.૧/૧૧/૧૬થી વિધવા લાભાર્થી મહિલાઓને એક સરખા દરે રૂ.૧૦૦૦ની સહાય દર માસે ચુકવવાનું ઠરાવ્યું છે. અરજદાર વિધવાની પોતાની જંગમ તથા સ્થાવર મિલકતના રોકાણમાંથી વ્યાજ સહિત બધા સાધનોમાંથી ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૪૭૦૦૦ અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૬૮૦૦૦થી ઓછી હોય તેવી નિરાધાર વિધવા મહિલા આ સહાય મેળવવા પાત્ર ગણાશે તેમ દિપક મદલાણીએ ઉમેર્યું છે.
તેઓના જણાવ્યા મુજબ અને રાજય સરકારની યોજના મુજબ જે મહિલાના પતિનું અવસાન થયું હોય તેવી મહિલાઓ વિધવા થયાની તારીખથી બે વર્ષની સમયમર્યાદામાં વિધવા સહાય મેળવવા ફોર્મ ભરવાની સમય મર્યાદા જે હતી તે રદ કરવામાં આવી છે પરંતુ સહાયનો લાભ ફકત ફોર્મ ભર્યાની તારીખથી મળવાપાત્ર થશે. ગુજરાત રાજયમાં વસવાટ કરતી અને ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેવી નિરાધાર વિધવા બહેનો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
દિપક મદલાણીના જણાવ્યા મુજબ તા.૧/૪/૨૦૧૨થી જે વિધવા મહિલા લાભાર્થીઓએ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરી હશે અને તેઓ જો નિયમોનુસાર પાત્રતા ધરાવતા હશે તો મળવાપાત્ર થશે. જે લાભાર્થીઓની ઉંમર ઠરાવના અમલની તારીખે ૧૮ થી ૪૦ વર્ષની વયજુથના એટલે કે ૪૦ વર્ષ કરતા ઓછી ઉંમર હોય તેવા તમામ લાભાર્થીઓએ બે વર્ષની અંદર તાલીમમાં જોડાવવાનું રહેશે અને બે વર્ષની અંદર તાલીમ પૂર્ણ કરી લેવાની રહેશે. આ સહાય અરજદારની નજીકની પોસ્ટ ઓફિસના બચત ખાતા (ડબલ્યુએસએ-વિડો ફાઈનાન્સિસ અાસિસ્ટન્ટ) દ્વારા ચુકવવામાં આવશે. આ યોજનાના લાભાર્થી વિધવા બહેનોએ દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી તે મતલબનું મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કર્યા પછી જ બીજા વર્ષની સહાય મળવાપાત્ર થાય છે તેમ તેઓએ ઉમેર્યું છે.
આ અંગેના અરજીપત્રકો તાલુકા મામલતદારની કચેરીઓમાંથી વિનામૂલ્યે મળી શકશે. અરજી પત્રકો સંપુર્ણ રીતે ભરી માગ્યા મુજબના જરૂરી બિડાણો એટલે કે રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ, પતિના મરણના દાખલાની ઝેરોક્ષ નકલ, પોતાના તથા બાળકોના ઉંમરના દાખલાના ઝેરોક્ષ નકલ, મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી તરફથી મળેલ આવકનો તથા પુન:લગ્ન કર્યા નથી તે બાબતનો દાખલો તથા ફોર્મ ઉપર અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાડી અરજીપત્રક પોતાના તાલુકાના મામલતદાર કચેરીમાં આપવાનું રહેશે. કોઈ નિરાધાર વિધવા બહેનનો પુત્ર ૨૧ વર્ષનો હોય પરંતુ તે માતાનું ભરણપોષણ કરવા માટે સક્ષમ ન હોય અથવા પુત્રનું મૃત્યુ થાય વગેરે કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે તેમ રાજકોટ જિલ્લા ભાજપ વેપાર ઉધોગ સેલના કન્વીનર દિપક મદલાણીએ ઉમેર્યું છે.