પોલીસ જવાનો આપણી સુરક્ષા માટે તો છે જ… પણ જ્યારે ડ્યૂટીની ઉપર જઈને માનવતા જોઈને ‘ખાખી’ કામ કરવા મેદાને ઉતરે ત્યારે સૌ કોઈને ખાખી પર ગર્વ થાય. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક મહિલા ઈન્સ્પેકટર ભયંકર પૂરમાં બેભાન યુવકને બચાવવા દોટ મૂકે છે. એટલું જ નહીં યુવકને પોતાના ખંભે નાખી તાત્કાલિક રિક્ષા બોલાવી હોસ્પિટલે પહોચાડે છે. આ વીડિયોને જોઈ તમને પણ ખાખી પર ગૌરવાંતીત થઈ કહેવાનું મન થઈ જશે કે ધન્ય છે એ નારીની જનેતાને….
સ્મશાનમાં બેહોશ પડેલા યુવકને ખંભે નાખી મહિલા ઈન્સપેકટરે જે અનોખી ‘મર્દાનગી’ બનાવી છે તેની સોશિયલ મીડિયા પર સૌ કોઈ પ્રસંશા કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ વીડિયો તમિલનાડુનો છે. હાલ તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે 20 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચેન્નાઈના છત્રમ વિસ્તારમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. આ દરમિયાન સ્મશાનમાં 28 વર્ષીય એક યુવક આ ઝાડની ઝપેટમાં આવી દટાઈ ગયો હતો.
પોલીસને માહિતી મળતા જ પોલીસ ઈન્સ્પેક્ટર રાજેશ્વરી તુરંત જ ઘટના સ્થળ પર પહોંચ્યા અને લોકોની મદદથી ઘણા કલાકો સુધી ઝાડ નીચે દટાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો. આ પછી પોલીસ ઈન્સ્પેકટર રાજેશ્વરીએ તે વ્યક્તિને ઉઘાડા પગે પોતાના ખભા પર ઊંચકીને ઓટોમાં બેસાડી અને હોસ્પિટલ ખાતે ખસેડયો. ‘ખાખી’ને ગદગદિત કરતા મહિલા ઈન્સપેકટરને સો સો સલામ….
સ્મશાનમાં બેભાન પડેલો માણસ
વીડિયોમાં પોલીસ ઈન્સ્પેક્ટર બેભાન વ્યક્તિને પોતાના ખભા પર લઈ જતા જોવા મળે છે. આ પછી, મહિલા અધિકારી તે વ્યક્તિને ઓટોમાં બેસાડે છે, જેને તેની સાથે રહેલા લોકો હોસ્પિટલ લઈ જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ ઈન્સ્પેક્ટર રાજેશ્વરીના આ નિઃસ્વાર્થ કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.