- સુરતના કૃભકો હજીરા ખાતે રૂ.350 કરોડના ખર્ચે તૈયાર થનારા બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત
- ઈથેનોલ મિશ્રણના કારણે તેલની આયાતમાં રૂ. 46000 કરોડની બચત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના હજીરા સ્થિત કૃભકો ના રૂ.350 કરોડના ખર્ચે પ્રતિદિન 2.50 લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે, ઈથેનોલ મિશ્રણના કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં રૂ. 46000 કરોડની બચત થઈ છે, વડાપ્રધાનએ વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ સંમિશ્રિત કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે, અને પાંચ માસ પહેલાં જ અડધો લક્ષ્યાંક એટલે કે 10 ટકા ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે એમ જણાવતાં ગૃહમંત્રીશ્રીએ પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણથી દેશની તિજોરીને વર્ષ 2025 સુધીમાં 1 લાખ કરોડનો ફાયદો થશે એમ સ્પષ્ટપણે ઉમેર્યું હતું. બાયોફ્યૂઅલમાં ભારત વિશ્વમાં મહત્વનું સ્થાન પામી રહ્યું છે એનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય સહકાર મંત્રીશ્રીએ કહ્યું કે, સ્વચ્છતા અને આત્મનિર્ભરતાની સાથે વેસ્ટ એટલે કે કચરાનો પણ મહત્વપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે. આજે દેશમાં રિસાઈકલિંગને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આવા જ પ્રયાસોમાં બાયો ઈથેનોલનું પણ નામ જોડાયું છે. તેનાથી અનેક સામાન્ય ખેડૂત પરિવારોને આર્થિક ફાયદો થવા સાથે ફ્યુઅલ સેકટરમાં અન્ય દેશો પર નિર્ભર રહેવું નહીં પડે અને દેશના અર્થતંત્રમાં નવી ઊર્જા, નવી ગતિનો સંચાર થશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ફ્યુઅલના વધુ પડતા વપરાશથી ક્રુડ ઓઇલની આયાત થકી મોટું વિદેશી હુંડિયામણ ચુકવવું પડે છે અને અર્થતંત્ર પણ અસર પડે છે, સાથોસાથ ઔદ્યોગિક વિકાસના કારણે સતત વધતા ઇંધણના ઉપયોગથી પર્યાવરણ પર પણ વિપરીત અસર થઈ રહી છે.
કૃભકોના હજીરા પ્લાન્ટમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોજેક્ટ ઇંધણમાં આત્મનિર્ભરતાના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બનશે એવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીીએ વ્યક્ત કર્યો હતો. કૃભકો જેવી પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાના નવતર આયામને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતને આ પ્લાન્ટ ઈકોફ્રેન્ડલી પ્રોજેક્ટ વિકાસની નવી દિશા તરફ દોરી જશે.
વડાપ્રધાનએ સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી માળખાને નવી ઉર્જા પ્રદાન કરવા દેશમાં પહેલીવાર સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે, જે દેશને પાંચ ટ્રીલિયન ડોલર ઈકોનોમી બનાવવામાં પણ મહત્વનું યોગદાન આપશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રિય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, કૃભકો અને આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન એશિયા પેસેફિકના અધ્યક્ષ ડો.ચંદ્રપાલ સિંહ, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ સંઘ લિ.(નાફેડ)ના અધ્યક્ષ અને કૃભકોના નિદેશક ડો.બિજેન્દ્ર સિંહ અને કૃભકોના ઉપાધ્યક્ષ વી. સુધાકર ચૌધરી, સહિત કેન્દ્ર-રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.