મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના પાકિસ્તાનના લાહોરમાં સ્થિત ઘર નજીક બ્લાસ્ટ થયો છે. બૉમ્બ ધડાકાને કારણે આસપાસના વિસ્તરીમાં અફરાતફરી મચી જવા પામી છે. આ ઘટનામાં 10થી 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તો 2 લોકોના મોત નિપજ્યા છે. 4 લોકોની હાલત ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્ફોટ જોહર ટાઉનના અકબર ચોકમાં થયો છે. ધડાકો થતાંની સાથે જ સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે ઘર બહાર વિસ્ફોટ થયો તે સમયે ઘરની બહાર ઘણા અજાણ્યા લોકો અવર જવર કરતાં હતાં. જોકે, હજી સુધી પુષ્ટિ થઈ નથી કે વિસ્ફોટ સમયે આંતકવાદી હાફિઝ સઇદ ઘરમાં હતો કે નહીં.
બ્લાસ્ટ પછી ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ કહ્યું કે આ બ્લાસ્ટ અંગે ચોક્કસ તારણ કાઢવું મુશ્કેલ છે. ગેસ પાઇપલાઇનમાં થયેલ વિસ્ફોટ હોઈ શકે છે. આતંકી હાફિઝ સઇદને લગતા પ્રશ્નની અવગણના કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના મકાનોના બારી બારણાં તૂટી ગયા છે.