લુહાર હિતેચ્છુ મંડળ દ્વારા પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ: પરેશ દાવડા બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવતો હોવાના આક્ષેપ
લુહાર સમય અને દિવ્ય કેશરી સાપ્તાહીકના માલિક સમાજના આગેવાનોને બદનામ કરી પૈસા પડાવતા હોવાનો વધુ એક ચોકાવનારા આક્ષેપ સાથે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ સાથે કડક કાર્યવાહી કરવાની માગણી કરતા લુહાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
લુહાર સમય અને દિવ્ય કેશરી સાપ્તાહીકના માલિક પરેશ દાવડા લુહાર સમાજને વિના કારણે બદનામ કરી નાની નાની બાબતને બીન જરૂરી ઇસ્યુ બનાવી બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવવાની ટેવ ધરાવતા હોવાના આક્ષેપ સાથે પ્રકાશ ડોડીયાએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરી છે.
૨૦૧૪માં પરેશ દાવડા અને પ્રકાશ ડોડીયા વચ્ચે થયેલી માથાકૂટ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદની ગત તા.૧૨ ફેબ્રુઆરીએ કોર્ટ મુદત હોવાથી પ્રકાશભાઇ ડોડીયા બીમાર હોવાથી કોર્ટમાં હાજર ન રહ્યા ન હતા. પરેશ દાવડાએ કોર્ટમાંથી પ્રકાશભાઇ ડોડીયા કંઇ હોસ્પિટલમાં દાખલ થયા છે તેની વિગતો મેળવી ઇશ્વરીયા રોડ પર આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્યુવેદીક હોસ્પિટલ ખાતે આવી હોસ્પિટલની ઓફિસમાં જઇ પ્રકાશ ડોડીયા અહી દાખલ છે તેમ કહી મિડીયાનો પાવર બતાવી રોફ જમાવ્યા બાદ પ્રકાશભાઇ ડોડીયાના પુત્ર પાર્થને હોસ્પિટલમાં મળી ‘તારા બાપને હું ઘરે આવી જોઇ લઇશ’ તેવી ધમકી દીધી હતી.
હોસ્પિટલમાં પરેશ દાવડા અને તેના પુત્ર મીહીર દાવડાએ ધમકી દીધી હોવાથી પોતાના જાનનું જોખમ હોવાના આક્ષેપ સથે પડધરી પોલીસમાં લેખિત અરજી આપી હતી.
પરેશ દાવડા પોતાના અંગત હિત માટે સાપ્તાહીક લુહાર સમય અને દિવ્ય કેશરીમાં લુહાર સમાજને બદનામ કરતા હોવાનું અને અણછાજતુ લખી સમાજના લોકોને જ ટાર્ગેટ બનાવતા હોવાનો પ્રકાશભાઇ ડોડીયાએ આક્ષેપ કર્યો છે. તાજેતરમાં જ લુહાર સમાજ દ્વારા પાંચ દિકરીના સમુહલગ્ન કયા૪ હતા ત્યારે પણ પોતાને કેમ ન બોલાવ્યા અને પોતાને માન સન્માન કેમ ન આપ્યું કહી ફંકશનના એન્કર પ્રકાશભાઇ પીઠવા વિરૂધ્ધ પોતાના સાપ્તાહીકમાં જેમ ફાવે તેમ લખ્યું હોવાના આક્ષેપ કર્યા છે.પ્રકાશભાઇ ડોડીયા, પી.સી.પીઠવા, સંજયભાઇ સિધ્ધપુરા, જીતેન્દ્રભાઇ ડોડીયા અને આશિષભાઇ સહિતના લુહાર સમાજના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆતમાં જોડાયા હતા.