જૂનાગઢના ગિરનાર શિખર પર સ્થિત અંબાજી મંદિર પર છેલ્લા ૧૫ દિવસથી વીજળી ગુલ છે, અને માતાજીની સવાર – સાંજ આરતી મોબાઈલના ફ્લેશ લાઈટના અજવાળે થાય છે, જે બાબતે વીજ તંત્રને અનેક રજૂઆતો છતાં નિંભર તંત્ર દ્વારા રીપેર નહિ થતાં માઈ ભક્તોમાં નારાજગી અને રોષ પ્રગટ્યો છે.
ગિરનાર પર આવેલ માં અંબાજી માતાના મંદિરે છેલ્લા ૧૫ દિવસથી લાઈટ નથી, લાખો લોકોની શ્રદ્ધાના સ્થાન એવા મંદિરે મોબાઈલના ફ્લેશ થી સવારે ને સાંજે આરતી કરાઈ રહી છે, તેમજ માતાજીના સ્નાન જેવી વિધિ માટે શુદ્ધ પાણી ભરવા માટે પણ ૧૦૦ પગથિયાં ૨ વખત નીચે ઉતરી ને ભરી આવે ત્યારે માતાજી ની સ્નાનની વિધિ પૂર્ણ થાય છે. અંબાજી ટૂંક પર લાઈટ ન હોવાથી માતાજીના મંદિર પરના પાણી ના ટાકા પણ ભરી શકાતા નથી તેમજ બપોરનો ભોજન પ્રસાદ થાળ બનાવવામાં પણ પાણી હોતું નથી.
આ અંગે મહંત તનસુખગીરીબાપુ એ સતત ટેલિફોનિક રજુઆત કરતા એવો જ પ્રત્યુત્તર મળેલ કે થઈ જશે અથવા વરસાદમાં કેમ થાય ? જેવા બેજવાબદારી ભર્યા જવાબો ખૂબ જ બેદરકારી સાથે અપાય છે. જુનાગઢ પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓની આવી બેજવાબદારી ભરી કામગીરીથી માઈ ભક્તોમાં રોષ ભભૂક્યો છે, અને આજે હિન્દુ પરિષદ તેમજ મહંત તનસુખગીરી બાપુ દ્વારા આ બાબતે ૨ દિવસ નું અલટીમેટમ આપેલ છે, અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે આગળના વિરોધના કાર્યક્રમ આપવામાં આવશે જેમાં સમસ્ત સાધુ સમાજ અને મહંતો આ બાબતે એક થઈ ને કાર્યકમો આપશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.