રાજ્યમાં નવા 884 કેસ નોંધાય: 770 દર્દીઓએ કોરોનાને હરાવ્યો: સતત વધતુ સંક્રમણ ચિંતાજનક
રાજ્યમાં ફરી કોરોનાએ ઉપાડો લીધો છે. શુક્રવારે ગુજરાતમાં કોરોનાના નવા 884 કેસ નોંધાયા હતા. સૌથી આઘાતજનક સમાચારએ છે કે ભાવનગર, અમદાવાદ અને સુરતમાં કાળમુખો કોરોના એક-એક દર્દીને ભરખી ગયો છે. 770 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. એક્ટિવ કેસનો આંક 5279એ પહોંચી ગયો છે. જે પૈકી 9 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે અને 5270 દર્દીઓની હાલત સ્થીર છે.
ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. સંક્રમણ સતત વધી રહ્યું છે. શુક્રવારે કોવિડના નવા 884 કેસ નોંધાયા હતા. જેની સામે 770 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને ભાવનગર કોર્પોરેશનમાં એક-એક દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ઘણા દિવસો બાદ કોરોનાથી એક જ દિવસમાં 3 દર્દીઓના મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજ્યવાસીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. એક્ટિવ કેસનો આંક પણ સતત વધી રહ્યો છે.
ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 324 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 69 કેસ, સુરત કોર્પોરેશનમાં 51 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 35 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 25 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં નવા 14 કેસ, જામનગર કોર્પોરેશનમાં 10 કેસ ઉપરાંત મહેસાણા જિલ્લામાં નવા 49 કેસ, ગાંધીનગર જિલ્લામાં 44 કેસ, કચ્છમાં 37 કેસ, સુરત જિલ્લામાં 21 કેસ, પાટણ જિલ્લામાં 20 કેસ, રાજકોટ જિલ્લામાં 20 કેસ, આણંદ જિલ્લામાં 15 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 15 કેસ, વલસાડ જિલ્લામાં 15 કેસ, નવસારી જિલ્લામાં 14 કેસ, બનાસકાંઠા જિલ્લામાં 13 કેસ, ભરૂચ જિલ્લામાં 11 કેસ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 10 કેસ, અમદાવાદ જિલ્લામાં 8 કેસ, જામનગર જિલ્લામાં 8 કેસ, મોરબી જિલ્લામાં 8 કેસ, અમરેલી જિલ્લામાં 6 કેસ, પંચમહાલ જિલ્લામાં 5 કેસ, અરવલ્લી જિલ્લામાં 4 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 4 કેસ, પોરબંદર જિલ્લામાં ચાર કેસ, વડોદરા જિલ્લામાં ચાર કેસ, ખેડા જિલ્લામાં 3 કેસ, તાપી જિલ્લામાં 3 કેસ, દાહોદ જિલ્લામાં 2 કેસ અને ભાવનગર જિલ્લામાં એક કેસ નોંધાયો છે.
રાજ્યમાં હાલ 5279 એક્ટિવ કેસ છે. જો કે માત્ર ત્રણ દર્દીઓજ વેન્ટીલેટર પર છે. બાકીની 5270 દર્દીની હાલત સ્ટેબલ છે.
રાષ્ટ્રસંત પૂ.નમ્રમૂનિ મ.સા. પણ કોરોના સંક્રમિત
કચ્છની પુનડીની પાવન ધરા પર હાલ ચાતુર્માસ ગાળી રહેલા રાષ્ટ્રસંત પૂ.નમ્રમૂનિ મહારાજ સાહેબ શુક્રવારે કોરોના સંક્રમિત થતા શ્રાવકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. જો કે તેઓની તબિયત સારી છે. હાલ આઇસોલેટ થઇ ગયા છે. પૂ.નમ્રમૂનિ મહારાજ સાહેબને સામાન્ય લક્ષણો જણાતા ગઇકાલે તેઓએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. હાલ કચ્છની પાવન ભૂમિ પુનડીમાં 42 સાધુ-સાધ્વીજીઓ સાથે ચાતુર્માસ ગાળી રહ્યા છે. કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેઓ તાત્કાલીક આઇસોલેટ થઇ ગયા છે. તેમની સાથે ચાતુર્માસ ગાળી રહેલા અન્ય છ સંતો અને 36 સાધ્વીજીઓને જો કોરોનાના લક્ષણો જણાશે તો તેઓના પણ રિપોર્ટ કરવામાં આવશે. પૂ.નમ્રમૂનિ મ.સા.ની તબિયત સારી છે. તેઓ કોરોના સંક્રમિત થતા જૈન સમાજના અગ્રણીઓ તથા શ્રાવકોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.