કાલે સાંજે ૬:૫૯ થી ૮:૨૪ સુધી હોળી પ્રાગટય મૂહુર્ત: અંધકાર‚પી અહંકારને દૂર થાશે: સૌરાષ્ટ્રની સૌથી મોટી ૧ લાખ છાણાની હોળી રાજકોટ: અબીલ-ગુલાલ, પીચકારીની ધૂમ ખરીદી: રવિ-સોમ ઉત્સવપ્રેમીઓમાં ઉત્સવ.
આવતીકાલે હોલીકાદહન અને સોમવારે રંગોની છોળો ઉડશે. રવિ-સોમ બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉમંગનો ઉત્સવ ઉજવાશે. ફાગણ સુદ પુનમ રવિવારે તા.૧૨/૩/૧૭ના દિવસે હોળી છે.
આ દિવસે પુનમ રાત્રે ૮:૨૪ સુધી છે. હોળી પ્રદીપ્ત કરવાનું મહત્વ પ્રદોષકાળમાં ગણાય આથી હોળી પ્રગટાવાનો શુભ સમય સાંજે ૬:૫૯ થી ૮:૨૪ સુધી ગણાય. ધર્મસિંધુના પ્રમાણે પૂજનમાં સૌપ્રથમ હોલિકાયે નમ: હોલિકા આવાહયામી બોલી ત્યારબાદ શ્રી હોલિકાયે નમ: બોલતા બોલતા ત્રણ પ્રદક્ષિણા કરવી અને સાથે પુષ્પ ચંદનના છાટણા કરવા સાથે ખજુર, ધાણી, દાળીયા, શ્રીફળ પધરાવા ત્યારબાદ પ્રાર્થના કરવી અમા‚ આખુ વર્ષ સુખ-શાંતી અને સમૃદ્ધ પસાર થાય તેમ શાસ્ત્રી રાજદીપ ડી.જોષીએ જણાવ્યું હતું.
હોળી એ રંગ, ભંગ, ઉમંગનો ઉત્સવ છે. ફૂલો તણા સંગનો ઓચ્છવ છે. ભીતર, ભીનાશ, મીઠાશ, કુમાશ, હળવાશ ભરવાનો ભવ્ય પર્વ છે. હોળી પર્વ એ પ્રકૃતિ પ્રતિ પ્યારની પૂકાર ઈકરારનો પર્વ છે. પર્યાપ્ત પાકની પ્રાપ્તિ પછી પરમાત્માને પ્રેમના પુષ્પોથી પોંખવાનો પુનિત પર્વ છે. હોળીએ તૃપ્તીનો તહેવાર છે. વહાલપનો વ્યવહાર છે. એકબીજા પ્રત્યે પ્યાર, દુલાર દર્શાવવાનો મહોત્સવ છે. હોળીએ રાધા-માધાનો મધુરો મિલનોત્સવ છે. હોળીએ અનેકતામાં એક રાગનો રંગોત્સવ છે. હોળી કામને કશમા અને વશમાં રાખવાની સોનેરી શીખ અર્પતો એની મહતા અને મર્યાદાને મહેકાવતો મદનોત્સવ છે.
પ્રહલ્લાદ એટલે ‘પ્ર’ એટલે વિશેષ અને ‘હલ્લાદ’ એટલે, આનંદ વિશેષ આનંદ પરમાત્મા ત્યારે જ પ્રાપ્ત થાય જયારે સત્-ચિત્ત આનંદ યાને સચ્ચિદાનંદ ‚પી બ્રહ્મની પ્રાપ્તિ થાય. અંત:પ્રહલ્લાદ એ બ્રહ્મનું પ્રતિક છે. આથી સહેજે સમજાય કે, જયાં પ્રકાશ હોય ત્યાં અધકારનો નાશ થાય. આથી જ પ્રહલ્લાદના કારણે જ અહંકાર અને અંધકાર‚પી હિરણ્યકશિપુનો નાશ થયો.
હવે કાલે ગામે-ગામે હોલીકા દહન સાથે આગામી વર્ષે કેવું વર્ષ રહેશે તેની આગાહી કરાશે. જ્ઞાનાગ્નિ પ્રજવળ થવાની સાથે સોમવારે રંગોનું પર્વ ધુળેટી ઉજવાશે. રંગોની છોળોમાં ડુબકી લગાવવા રંગરસિયાઓ આતુર છે. વહેલી સવારથી કલરના કોથળા સાથે નિકળી પડશે ને ‘બુરા ના માનો…’ આજ હોલી હૈ… ની ચીચીયારી સાથે મોજ-મસ્તીમાં ઝુમી ઉઠશે. સ્નેહીજનો અને મિત્રો સાથે રંગોનું આ પર્વ ઉત્સાહભેર ઉજવાશે. સપ્તાહના આ અંતમાં આવતા પર્વને લીધે લોકોને મીની વેકેશન મળ્યું છે.