સેન્સેક્સમાં 765 અને નિફ્ટીમાં 205 પોઇન્ટનો કડાકો: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 14 પૈસા તૂટ્યો
અબતક – રાજકોટ
ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે મંદીની સુનામી આવી હોય તેવું લાગી રહ્યુ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતાં. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ધોવાણ સતત ચાલુ છે. સપ્તાહના આરંભની શરૂ થયેલી મંદી આજે સપ્તાહના અંતિમ દિવસે પણ યથાવત રહેવા પામી હતી.
આજે સપ્તાહના અંતિમ દિવસે મુંબઇના શેરબજારના આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી તોતીંગ કડાકા સાથે ખૂલ્યા હતા. દિવસ દરમિયાન સતત મંદી છવાઇ રહેલી હતી. આજે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 58,000ની સપાટી તોડી 57,640 સુધી નીચે સરકી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 17,180ના નીચલા લેવલ સુધી પહોંચી ગઇ હતી. આજની મંદીના યુપીએલ, બીપીસીએલ, આઇઓસી, અને ઓએનજીસી જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળા નોંધાયા હતાં.
જ્યારે પાવરગ્રીડ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા અને એશિયન પેઇન્ટ્સ જેવી કંપનીના ભાવો તૂટ્યા હતા. આ લખાઇ રહ્યુ છે ત્યારે સેન્સેક્સ 765 પોઇન્ટના ઘટાડા સાથે 57,695 અને નિફ્ટી 205 પોઇન્ટના ઘટાડા સાથે 17,159 પર કામકાજ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 14 પૈસાની નબળાઇ સાથે 75.14 પર ટ્રેડ કરી રહ્યો છે.